સરકારે અબોલ પ્રાણીઓની પણ ચિંતા કરી, નુકસાનની અપેક્ષા હતી તેમાંથી સૌ ખુબ સારી રીતે બહાર નિકળ્યા છીએ : સી.આર.પાટીલ
ખાસ-ખબર સંવાદદાતા
બિપરજોય વાવાઝોડાના કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ધ્યાન રાખી રહ્યા હતા. હજુ સુધી જાનહાનિની ખબર મળી નથી. તેમ કહેતા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ શુક્રવારે જણાવ્યુ કે, ગુજરાત સરકારે પ્રજાની સાથે અબોલ પ્રાણીઓની પણ ચિંતા કરી છે.
- Advertisement -
પાટિલે કહ્યુ કે, અબોલા જીવો માટે તેમના સ્થળાંતર સાથે ચારાની વ્યવસ્થા કરવા ભાજપના કાર્યકરોને સુચના અપાઈ હતી. સગર્ભા મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવાના પ્રયત્નો કર્યા તે સાથે બહેનોને કે આવનાર બાળકને નુકસાન ન થાય તે માટે સરકાર તેમજ આશાવર્કર બહેનોનો ખુબ મોટો ફાળો રહ્યો છે.
ભારે પવનને કારણે રસ્તા ઉપર પડેલા ઝાડના કારણે રસ્તા બંધ થઈ ગયા હોય તેને ઝડપથી ફરી કાર્યરત કરવા માટે જે.સી.બી. તેમજ ઝડપથી હટાવવાના સાધનો દ્વારા રાજ્ય સરકાર અને વન વિભાગ સજ્જ છે. ગુજરાતના સૌ નાગરિકોના સાથ અને સહકાર મળવાને કારણે આજે જે વિકરાળ સ્વરૂપ ધરાવતા આ વાવાઝોડામાંથી આપણ સૌને જે ભય હતો તે ભયમાંથી મહદ અંશે જે નુકસાનની અપેક્ષા હતી તેમાંથી સૌ ખુબ સારી રીતે બહાર નિકળ્યા છીએ.