સોશિયલ મીડિયાના ઝડપી યુગમાં બાળકો અને યુવાધન વાંચનથી વિમુખ થઈ રહ્યા છે. કોઈ પણ માહિતી ઉપરછલ્લી મેળવીને આગળ વધી જતી વર્તમાન પેઢીને વાંચન પ્રત્યે રસ કેળવવો મુશ્કેલીભર્યો છે. છતાં,કેટલીક સંસ્થાઓ અને વાંચનપ્રેમીઓના સતત પ્રયત્નોથી માતૃભાષામાં જ ઉચ્ચ વાંચન સાહિત્ય મળી રહે તેવા આયોજનો થતાં રહે છે. અરવલ્લી જિલ્લાના છેવાડાના સાઠંબા ગામમાં તા.07/03/21 રવિવારના રોજ નવરાત્રી ચોકમાં પ્રથમ “પુસ્તક પરબ” નો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં ગામના 80 થી વધુ વિદ્યાર્થીઓ અને વડીલોએ 200 જેટલા પુસ્તકો વિનામૂલ્યે વાંચન અર્થે મેળવ્યા. સમગ્ર આયોજન ગામના સ્થાનિક અને બહાર વસતા નગરજનો દ્વારા કરવામાં આવ્યું હતું. ગામના નાના નાના બાળકોએ સ્વયંસેવક બની પુસ્તકોના આદાન પ્રદાનમાં સેવા આપી હતી. ગામમાં આ મુજબની હકારાત્મક પ્રવૃત્તિને ગ્રામજનોએ સહર્ષ વધાવી લીધી હતી. ભવિષ્યમાં દર મહિનાના પ્રથમ રવિવારે “પુસ્તક પરબ” યોજાશે. જેમાં કવિઓ, સાહિત્યકારોના વક્તવ્યો, પ્રદર્શનો અને સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે તેવું આયોજકોએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.