આતંકવાદી કનેક્શનને લઈને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ દેશભરમાં ઘણા સ્થળોએ સપાટો બોલાવ્યો છે. તપાસ એજન્સીએ એક સાથે 17 સ્થળોએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની કાર્યવાહી યથાવત છે. NIAએ દેશભરમાં PFIના ઠેકાણાઓ પર ફરી દરોડા પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, દેશભરમાં કુલ 17 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જાણકારી અનુસાર NIAના અધિકારીઓ ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં સર્ચ ચલાવી રહ્યા છે.
- Advertisement -
કેન્દ્ર સરકારે PFI પર મૂક્યો છે પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને PFI પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, PFI અને તેની આનુષંગિક સંસ્થાઓ ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક અને સીરિયા જેવા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે સંબંધિત છે. એટલું જ નહીં આ સંગઠન દેશમાં એક ખાસ સમુદાયમાં કટ્ટરપંથને પ્રોત્સાહન આપી રહ્યું છે. ઉપરાંત PFI અને તેના કેડર વારંવાર દેશમાં હિંસક અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
તપાસ એજન્સીઓને PFI વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા છેઃ ગૃહ મંત્રાલય
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તપાસમાં PFI પર આરોપોના પુરાવા મળ્યા છે. 22 સપ્ટેમ્બર અને 27 સપ્ટેમ્બરે NIA, ED અને રાજ્ય પોલીસે PFI પર દરોડા પાડ્યા હતા. પહેલા રાઉન્ડના દરોડામાં PFI સાથે જોડાયેલા 106 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બીજા રાઉન્ડના દરોડામાં PFI સાથે જોડાયેલા 247 લોકોની ધરપકડ કરીને અટકાયત કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓને PFI વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા છે. આ પછી તપાસ એજન્સીઓએ ગૃહ મંત્રાલય પાસે કાર્યવાહીની માંગ કરી હતી. તપાસ એજન્સીઓની ભલામણ પર ગૃહ મંત્રાલયે PFI પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.