– દરેક મસાલાના ભાવો 20% વધારો: મગ-તુવેરની દાળમાં જથ્થાબંધ માર્કેટની તેજી
દેશના આમ આદમીને છેલ્લા 12 માસ મોંઘવારીએ મરચા લેવરાવ્યા હતા અને હવે ફુગાવો ઘટી રહ્યો છે પણ તેની સામે હવે મરચા જ તમને મરચા લેવરાવે તેવા સંકેત છે. રેડ, હોટ, મરચું આજકાલ ડ્રાયફ્રુટ જેવું મોંઘુ બનવા લાગ્યું છે. તમોને ડોકટર ખાંડ ઓછી ખાવા કહે તો સુગર-ફ્રી મીઠાઈ અને આઈસ્ક્રીમ પણ ખાઈ શકે છે પણ મરચાનો ભાગ્યે જ કોઈ વિકલ્પ છે અને આ વર્ષે મરચાનું ઉત્પાદન ઘટતા તેના ભાવમાં વધારો થવા લાગ્યો છે.
- Advertisement -
કાશ્મીરી-ભાવ મરચુ એ રૂા.850 પ્રતિ કિલોએ પહોંચ્યું છે જે સામાન્ય કરતા રૂા.100નો ભાવ વધારો દર્શાવે છે પણ ફકત મરચું જ નહી તમારા રસોડાના દરેક મસાલા મોંઘા બની શકે છે. આ વર્ષે જીરાનો રેકોર્ડબ્રેક ભાવ રૂા.600 પ્રતિ કિલો રીટેઈલ બજારમાં છે. હાલમાં જ કમૌસમી વરસાદ નોંધાઈ છે તેમાં આ સ્થિતિ બને છે. જીરામાં તો માંગ કરતા ઓછા ઉત્પાદને ભાવમાં વધારો છે અને તેમાં માવઠાની પણ અસર થઈ છે અને તેથી અખિલ ભારતીય મસાલા-એકસપોર્ટર-ફેડરેશનના પ્રમુખ હિરેન ગઢવી કહે છે કે પ્રથમ વખત હવે મસાલાના ભાવ ડ્રાયફ્રુટને પણ પાછળ રાખી દેશે તેવા સંકેત છે.
મરચામાં 35% પાકને અસર થઈ છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મરચાનું ઉત્પાદન મુખ્યત્વે થાય છે. કાશ્મીરી મરચુ એ ઓછુ નીચુ હોય છે અને ગુજરાતમાં તેની માંગ વધી છે જેનો પાક મુખ્યત્વે કર્ણાટકથી આવે છે. જયાં પાકને નુકશાન થાય છે. ભારતનું મરચું ચીન, મલેશિયા, ઈન્ડોનેશિયા અને ગલ્ફના દેશોમાં નિકાસ થાય છે. જો કે આ વર્ષે માવઠા છતા ખેડુતોને તેના ઉત્પાદનના સારા ભાવ મળી રહ્યા છે અને તેથી આગામી વર્ષે ઉત્પાદન વધશે. નિકાસ માંગ પણ સારી છે પરંતુ ગૃહિણીના બજેટ તો બગડશે જ તે નિશ્ચિત છે.
ગત મહિનાથી જ મગના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ગત સપ્તાહે મોટાભાગની મંડીઓમાં મગના ભાવમાં વધારો થયો હતો. કારણ કે આવક ઘણી ઓછી છે. નાફેડના વેચાણ દ્વારા સ્થાનિક માંગ પુરી થઈ રહી છે. ઘણા વર્ષો બાદ ભારતમાં મગની આવક ઓછી રહી છે. સ્થાનિક ઉનાળુ મગની આ વર્ષે વાવણી એક મહિનો વિલંબમાં છે. જો કે, મગના ભાવને જોતા આગામી સમયમાં વાવેતર વિસ્તારમાં વધારો થવાનો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
- Advertisement -
હવામાનમાં થતા ફેરફારને લીધે કૃષિ પેદાશો ઉપર પ્રતિકુળ અસર પડી રહી છે. જો સરકાર મગની આયાતને પરવાનગી આપશે નહી તો આગામી દિવસોમાં મગના ભાવ રૂા.10000-11000ના સ્તરે પહોંચી શકે છે. તુવેરના ભાવમાં તેજીનું મુખ્ય કારણ ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં ઘટાડો અને આયાત હાલમાં મોંઘી બની હોવાનું છે. દર વર્ષે તુવેરનાં ટેકાનાં ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે.
વર્ષ 2014-15થી અત્યાર સુધીમાં તુવેરના ટેકાના ભાવમાં 50 ટકા જેટલો વધારો થયો છે. વર્ષ 2020થી અત્યાર સુધીમાં રૂપિયાનું મૂલ્ય 17 ટકા જેટલુ ઘટતા આયાત ખર્ચ વધી રહ્યા છે. આ કારણોને લીધે તુવેર બજારમાં તેજી છે. આ સિવાય તુવેરદાળમાં માંગ જે અગાઉ અટકી હતી તેમાં પુછપરછ વધી છે. એનસીસીએફ તુવેર ટેન્ડરમાં તુવેર અને તુવેર દાળમાં મજબૂતી જોવા મળી હતી. સરકારના તુવેર ખરીદીનાં ટેન્ડરને લીધે પણ બજારનું સેન્ટીમેન્ટ સુધર્યું હતું. આ સિવાય દેશમાં તુવેરની અછત હોવાથી આયાતી તુવેરનાં ભાવમાં પણ ઉછાળો આવી રહ્યો છે.