રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી મોબાઇલ એસેસરીઝની દુકાનમાં ગુરુવારે એક ભેદી ઘટના બની હતી, જેમાં એક અજાણી મહિલા સાંજના સમયે પાર્સલ મુકીને જતી રહી હતી અને તે લાંબા સમય સુધી લેવા આવી ન હતી. દુકાન બંધ પણ થઇ ગઈ અને પાર્સલમાંથી રાત્રીના સમયે અચાનક ધડાકા બાદ આગ ભભૂકી ઉઠી હતી, આગમાં મોબાઇલની એસેસરીઝ સળગીને ખાખ થઇ ગઇ હતી, પાર્સલમાં એવું તે શું હતું કે જેમાથી આગ ભભુકી?, પાર્સલ મુકી જનાર મહિલા કોણ? અને તેનો ઇરાદો શું હતો? તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.
ગુંદાવાડી પોલીસ ચોકીની સામે આવેલી ગુજરાત મોબાઇલની નામની દુકાનમાં ગુરુવારે સાંજના સમયે એક અજાણી મહિલા આવી હતી અને મોબાઇલની એસેસરીઝની થોડી વાતચીત કર્યા બાદ પોતાની પાસે રહેલું પાર્સલ થોડીવાર માટે રાખવાનું કહી પોતે ખરીદી કરીને થોડી જ વારમાં પરત આવે છે તેવી વાત દૂકાન સંચાલક સાથે કરી હતી અને પાર્સલ દૂકાને મુકી તે રવાના થઇ હતી, લાંબો સમય વિતવા છતાં મહિલા પરત આવી નહોતી, દૂકાન બંધ કરવાનો સમય થયો પરંતુ મહિલા પાર્સલ લેવા નહી આવતાં દુકાન સંચાલકે પાર્સલ સાચવીને દૂકાનમાં રાખી દીધું હતું.
જે બાદ રાત્રીના સમયે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી, દુકાનમાં આગ લાગ્યાની જાણ થતાં દુકાન માલિક સહિતનાઓ દોડી ગયા હતા અને ફાયરબ્રિગેડ સ્ટાફે પાણીમારો ચલાવી આગ બુઝાવી હતી, આગમાં મોબાઇલ એસેસરીઝનો મોટો જથ્થો સળગીને ખાખ થઇ ગયો હતા. આગ બુઝાયા બાદ દુકાનમાલિકે પોલીસને જાણ કરી હતી.