અંદર વિશાળ પાર્કિંગ હોવા છતાં બાળકોને તેડવા આવતાં વાહનોને બહાર જ ઉભા રખાય છે
નકલી સિંઘમ જેવા ટ્રાફિક PI મનીષ નકુમે સંચાલકોને ઠમઠોરવા જોઈએ-છાતી હોય તો જ!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની આરકેસી સ્કૂલમાં વિદ્યાર્થીઓના આવવાના અને છૂટવાના સમયે ભયંકર ટ્રાફિક જામ સર્જાય છે. આરકેસીની અંદર વાહન પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં શાળાએ વિદ્યાર્થીઓને મૂકવા કે તેડવા આવતા વાલીઓને શાળામાં વાહન પાર્કિંગ કરવા દેવામાં આવતું નથી. પરિણામે શાળાએ વિદ્યાર્થીઓને મૂકવા કે તેડવા આવતા વાલીઓએ ફરજીયાત રોડ પર વાહન પાર્ક કરવું પડે છે. આરકેસીની બહાર થતા ટ્રાફિક જામથી વાહનચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. શહેરમા ગમે ત્યા પાર્કિંગ કરતા વાહનોને દંડ કરતી ટ્રાફિક પોલીસ અને તેના પીઆઈ મનીષ નકુમને આ બધુ કેમ દેખાતું નથી તે સૌથી મોટો પ્રશ્ર છે. અલબત્ત ફક્ત આરકેસી જ નહીં પરંતુ નિર્મલા કોન્વેન્ટ, એસએનકે જેવી સ્કૂલમાં પણ વાહન પાર્કિંગની વ્યવસ્થા છે છતાં શાળાએ વિદ્યાર્થીઓને મૂકવા કે તેડવા આવતા વાલીઓને શાળામાં પ્રવેશ કરવા દેવામાં આવતા નથી જેથી તેઓને રોડ પર પોતાના વાહન પાર્ક કરી ઉભું રહેવું પડે છે અને ટ્રાફિક જામ સર્જાય છે. આ સમયે ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકોને આ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે. ક્યારેક ત્યાંથી પસાર થતી ટ્રાફિક પોલીસ રસ્તા ઉભેલા કે પસાર થતા નિર્દોષ વાહનચાલકોને દંડે છે પરંતુ ટ્રાફિક પોલીસ અને તેના પીઆઇ મનીષ નકુમે શાળા બહાર થતી ટ્રાફિક જામની કાયમી સમસ્યાઓનો ઉકેલ લાવવા આરકેસી, નિર્મલા કોન્વેન્ટ, એસએનકે જેવી શાળાઓને પોતાના પાર્કિંગમાં વિદ્યાર્થીઓના વાલીઓને વાહન પાર્ક કરવા દેવામાં આવે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
CPના માનીતા મનીષ નકુમ શાળા-કોલેજ બહાર થતાં ટ્રાફિક જામથી અજાણ!
રાજકોટની મોટાભાગની શાળા-કોલેજ બહાર વિદ્યાર્થીઓના આવવાના અને છૂટવાના સમયે ભયંકર ટ્રાફિક જામ સર્જાય છે. આ ટ્રાફિક જામથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી જાય છે. કેટલીક વખત નાનામોટા અકસ્માત પણ થાય છે. આજુબાજુના રહેવાસીઓ પણ આ ત્રાસથી કંટાળી જાય છે અને અવારનવાર માથાકૂટ પણ થાય છે. શાળા-કોલેજની અવળચંડાઈને કારણે વાહન પાર્કિંગની સુવિધા હોવા છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને શાળા-કોલેજ બહાર વાહન પાર્ક કરવા પડે છે. રાજકોટ પોલીસ કમિશનરના માનીતા ગણાતા ટ્રાફિક પોલીસના પીઆઇ મનીષ નકુમ જાણે આ સમગ્ર મામલે અજાણ છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ટ્રાફિક પોલીસના પીઆઇ મનીષ નકુમને વાહન પાર્કિંગની સુવિધા હોવા છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને વાહન પાર્ક ન કરવા દેતી શાળા-કોલેજની અવળચંડાઈ સામે પગલાં લેવા જણાવવું જોઈએ જેથી શાળા-કોલેજ બહાર ટ્રાફિક જામ ન થાય અને પાર્કિંગના નિયમો પણ જળવાઈ રહે.