ફ્લાઇટનું વન-વે ફેર રૂા. 3000ની આસપાસ રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્રના નાસિકના શિરડીમાં આવેલુ સાંઈ બાબાનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો નાસિક પાસે શિરડીમાં દર્શન કરવા માટે જતા હોય છે. અત્યાર સુધી ગુજરાતના ખાસ કરીને અમદાવાદના ભક્તોને શિરડીમાં દર્શન કરવા જવા માટે કાર અથવા તો ટ્રેન દ્વારા લાંબી મુસાફરી કરીને જવુ પડતુ હતુ. જો કે હવે ભક્તોને ઘણા કલાકોની લાંબી મુસાફરીમાંથી મુક્તિ મળશે. ભક્તો અમદાવાદથી માત્ર પોણા બે જ કલાકમાં જ શિરડી પહોંચી જશે. કારણકે 15 માર્ચથી અમદાવાદથી શિરડી સાંઇબાબા દર્શનાર્થે જનાર શ્રદ્ધાળુઓ માટે ઇન્ડિગો અમદાવાદથી નાસિકની ફલાઇટ શરૂ કરશે. ઇન્ડિગો દ્વારા 15 માર્ચથી અમદાવાદથી નાસિકની ડાયરેક્ટ ફલાઇટ શરૂ કરવામાં આવશે. જે માટે એરલાઇન્સની સિસ્ટમ પર બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ફ્લાઇટનું વન-વે ફેર રુ. 3000ની આસપાસ રહેશે. નાસિકથી આ ફલાઇટ બપોરે 3.45 કલાકે ટેકઓફ થઇ 5.25 કલાકે અમદાવાદ આવશે, ત્યાર બાદ અમદાવાદથી ફ્લાઇટ સાંજે 5.50 કલાકે રવાના થઇ 7.15 કલાકે નાસિકમાં પહોંચાડશે. એરલાઇન કંપની આ સેક્ટર પર 73 સીટર એટીઆર એરક્રાફ્ટનો ઉપયોગ કરશે.