સામાન્ય વર્ગને અસર ન થાય તેની કાળજી લેવાનું મુખ્યમંત્રીનું આશ્ર્વાસન: સાંજ સુધીમાં જ સરકાર મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરે તેવી શકયતા
ખાસ-ખબર સંવાદદાતા
રાજય સરકારે જંત્રીદરમાં એકાએક 100 ટકાનો વધારો જાહેર કરીને સમગ્ર રીયલ એસ્ટેટ ક્ષેત્રને તિવ્ર ઝટકો આપ્યા બાદ હવે આંશિક રાહત આપવામાં આવે તેવી શકયતા છે.રાજયભરનાં બિલ્ડરો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા અને વિવિધ મુદાઓની રજુઆત કરી હતી તેને પગલે રાજય સરકારમાં મેરેથોન મીટીંગો શરૂ થઈ છે અને સાંજ સુધીમાં કોઈક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે તેવા સંકેત છે.
- Advertisement -
જંત્રીદરનાં ઝટકાથી સ્તબ્ધ બનેલા બિલ્ડરો આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા. એક કલાકની લાંબી બેઠકમાં આ કદમથી પડનારી અસરો વિશે તેઓને અવગત કરાવવામાં આવ્યા હતા અને તાત્કાલીક અસરથી રાહત આપવાની માંગણી કરવામાં આવી હતી. રાજકોટ બિલ્ડર એસોસીએશનના પ્રમુખ અને ક્રેડાઈ ગુજરાતનાં પૂર્વ ચેરમેન પરેશ ગજેરાએ બેઠક બાદ વાતચીતમાં જણાવ્યું હતું કે બિલ્ડર સંગઠને સરકાર સમક્ષ તમામે તમામ મુદ્દા અને તેની અસરોની વિસ્તૃત રજુઆત કરી છે અને તે સામે મુખ્યમંત્રી દ્વારા પણ પોઝીટીવ પ્રત્યાઘાત આપવામાં આવ્યો છે. સામાન્ય વર્ગ કે અન્ય કોઈ વર્ગ બિનજરૂરી રીતે મુશ્કેલીમાં સપડાય તેવું કદમ ઉઠાવવાનો સરકારનો ઈરાદો નથી અને સમગ્ર મામલે સરકારનું મન ખુલ્લૂ હોવાનો તેઓએ સુર દર્શાવ્યો હતો જેના આધારે સરકાર આંશીક રાહત આપે તેમ માનવામાં આવી રહ્યું છે. સુત્રોના કહેવા પ્રમાણે બિલ્ડરો સાથેની મીટીંગ પૂર્ણ થયાની સાથે જ રાજય સરકાર દ્વારા શહેરી વિકાસ, મહેસુલ, નાણાં સહિતના સંબંધીત વિભાગોના અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી અને જંત્રીદરની અસર અને તેનાં નાણાંકીય પરિણામો વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી એમ માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વિવિધ પાસાઓનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યા બાદ રાજય સરકાર રાહત આપતો કોઈ નિર્ણય લઈ શકે છે.
જંત્રીદરના ભાવ વધારાને લઈને રાજકોટ રેવન્યુ બાર એસો.ના વકીલોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું
- Advertisement -
રાજ્ય સરકારે જંત્રીની કિંમતો બમણી કરી નાંખતા સમગ્ર રાજ્યમાં તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. જેને લઈને આજે રાજકોટ રેવન્યુ બાર એસોસિયેશનના વકીલોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી. અચાનક જંત્રીદર લાગુ કરવાથી જે મુશ્કેલી પડશે એ અંગે આજરોજ સીએમને અવગત કરવામાં આવ્યા હતો. જે રીતે જંત્રીદર લાગુ કર્યા છે. તેનાથી તો સામાન્ય માણસને એર્ફોડેબલ હાઉસ ખરીદવું તે એક સ્વપ્ન બની રહેશે. તો અમુક 2011 બાદ કેટલાક વિસ્તારોમાં જંત્રીદર અમુક વિસ્તારોમાં વધ્યા છે તો અમુક વિસ્તારોમાં એ જ ભાવ જોવા મળે છે.
જંત્રી વધારો વ્યાજબી જ છે, અન્ય રાજ્યો જંત્રી દર 2-3 વર્ષે વધારે છે: નીતિન પટેલ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જંત્રીના ભાવ વધારા મામલે નિવેદન આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકારે 11 વર્ષથી જંત્રીના ભાવમાં વધારો કર્યો નથી. દેશના મોટાભાગના રાજ્યો દર 2-3 વર્ષે જંત્રીના ભાવ વધારે છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાત સરકારે રાજ્યના વિકાસ માટે અને ગરીબ લોકોને ઘરનું ધર મળી રહે તે માટે 11 વર્ષ જંત્રીના ભાવમાં વધારો કર્યો નહતો. જેથી અત્યારે જંત્રીમાં થયેલો ભાવ વધારો મારા મતે વ્યાજબી છે.