ઈવનિંગ ઈ-પેપર પ્રસિદ્ધ કરતું ‘ખાસ-ખબર’ ગુજરાતનું એકમાત્ર અને પ્રથમ અખબારી જૂથ
‘ખાસ-ખબર’ જૂનાગઢને એક વર્ષ પૂર્ણ: અમારી સફળતા વાચકોને આભારી
- Advertisement -
1865માં જૂનાગઢથી શરૂ થયેલું સૌરાષ્ટ્ર દર્પણ પ્રથમ પત્ર હતું અને 2022માં ‘ખાસ-ખબર’ જૂનાગઢથી શરૂ થયેલું પ્રથમ ઈ-પેપર છે
1865માં જૂનાગઢમાંથી પંડિત મણિશંકર જટાશંકર કીકાણી દ્વારા સૌરાષ્ટ્ર દર્પણ માસિકનો પ્રારંભ થયો હતો, સૌરાષ્ટ્ર દર્પણ જૂનાગઢનું પ્રથમ પત્ર હતું. 2022માં જૂનાગઢમાંથી ‘ખાસ-ખબર’ શરૂ થયું હતું. ‘ખાસ-ખબર’ જૂનાગઢનું પ્રથમ ઈ-પેપર છે. સૌરાષ્ટ્ર દર્પણથી લઈ છેક ‘ખાસ-ખબર’ સુધી દોઢ સદીમાં જૂનાગઢ – ગિર પ્રદેશમાં ઘણું બદલાયું છે પણ હા આજ સુધી અહીંના સ્થાનિક પત્રકારત્વનું ધ્યેય – ઉદ્દેશ બદલાયા નથી. જૂનાગઢ ‘ખાસ-ખબર’નું વિઝન મિશનરી જર્નાલિઝમ છે, કમિશનરી નહીં. જૂનાગઢ ‘ખાસ-ખબર’ની એક વર્ષની અસરકારક અને પરિણામલક્ષી પત્રકારત્વની સફર વિશે વાંચકો વિશેષ માહિતગાર છે જ. 6 ફેબ્રુઆરી 2022માં ‘ખાસ-ખબર’ની જૂનાગઢ એડિશન શરૂ કરવામાં આવી હતી. આજે ‘ખાસ-ખબર’ જૂનાગઢ આવૃત્તિને એક વર્ષ પૂર્ણ થાય છે. જૂનાગઢમાં ‘ખાસ-ખબર’ પત્રકારત્વજગત સાથે પ્રજાની પ્રગતિ અને પરિવર્તનનું પાયોનિયર બન્યું છે. છેલ્લા એક વર્ષમાં જૂનાગઢથી લઈ ગિર-સોમનાથની પ્રજાના પ્રશ્નોને વાચા આપવા ઉપરાંત વિવિધ સમસ્યાઓને ‘ખાસ-ખબર’ જૂનાગઢ દ્વારા ઉજાગર કરવામાં આવ્યા છે. કોઈ નાનાએવા નેસડામાં પણ બનતી નાનામાં નાની ઘટનાઓના સમાચાર આપવા પણ ‘ખાસ-ખબર’ જૂનાગઢ પ્રતિબદ્ધ છે. સઘળી જ સત્ય ખબર એ અમારી ‘ખાસ-ખબર’ છે, જે ‘ખાસ-ખબર’ વાંચકો સમક્ષ પ્રસ્તુત કરતું આવ્યું છે. તેથી જ છેલ્લાં એક વર્ષમાં જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં સૌનું માનીતું અને પોતીકું બની ગયેલું વહાલું સાંધ્ય દૈનિકએટલે ‘ખાસ-ખબર’.
પક્ષપાત-પૂર્વગ્રહથી મુક્ત નિડર, નિષ્પક્ષ અને નિર્ભેય પત્રકારત્વની મશાલ પ્રગટાવી જૂનાગઢનું ‘ખાસ-ખબર’આજે પ્રથમ વર્ષની સફર સફળતાપૂર્વક તય કરી રહ્યું છે. પ્રત્યાયનનું કોઈપણ માધ્યમ હોય તેને સાતત્યનું દર્શન કરી સત્યનું ઉદ્દબોધન કરવાનું છે. સમાજની શાંતિ, સલામતિ અને સુખાકારી માટેની પહેલ કરવાની હોય છે. તેમાં પણ અખબારનું કામ અરીસો બની સમાજને માત્રને માત્ર વાસ્તવિકતાથી પરિચિત કરાવવાનું છે, સત્યનો પ્રહરી બનવાનું છે. ‘ખાસ-ખબર’ જૂનાગઢએ પણ મહાનગરપાલિકા, સરકારી, અર્ધ સરકારી, ખાનગી એકમો, વ્યવસાયિક સમૂહથી લઈ સામાજિક, શૈક્ષણિક, આર્થિક, ધાર્મિક, વ્યાવહારિક, પારિવારિક સહિત લોકલથી ગ્લોબલ તખ્તા પર દરેક ક્ષેત્રની સારી-નસરી બાબતો પ્રજાની સમક્ષ બેબાકપણે મૂકી છે.
‘ખાસ-ખબર’ના મિજાજ અનુસાર અનેક કિસ્સા-કૌભાંડો-કરતૂતોનો ડંકે કી ચોટ પર ભાંડાફોડ જૂનાગઢ આવૃત્તિમાં કરવામાં આવ્યો છે. આમ, આ અખબાર જૂનાગઢ ગિર-સોમનાથ આસપાસ વિસ્તારના નકારત્મક અને હકારાત્મક દ્રષ્ટિકોણને ઉજાગર કરનારુ એક નગરસેવક બન્યું છે. ભ્રષ્ટાચારીઓનો પર્દાફાશ અને યશસ્વીઓને સન્માનિત એટલે કે, પુણ્યશાળીઓને પુરષ્કાર અને પાપીઓનો તિરસ્કાર કરવાની આ અખબારની નીતિના કારણે ‘ખાસ-ખબર’ને લાખો વાંચકોએ વહાલથી વધાવ્યું છે.
સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મ પર સૌથી પહેલા, સૌથી સત્યતાપૂર્ણ પળેપળનાં બનાવો, ઘટનાઓ, પ્રસંગોની જાણ કરવામાં પણ ‘ખાસ-ખબર’અન્ય માધ્યમોને પાછળ છોડી આગળ નીકળી રહ્યું છે. માત્ર એક વર્ષના ટૂંકાગાળામાં ‘ખાસ-ખબર’ની જૂનાગઢ આવૃત્તિએ પાંચ લાખ જેટલા લોકોમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું છે, આગામી સમયમાં પણ વાંચકોનો વિશ્વાસ જાળવી ‘ખાસ-ખબર’ જસ્ટ ધી ફેક્ટના સિદ્ધાંત પર આગળ વધતું રહેશે.
સત્ય, સંપૂર્ણ, સચોટ અને સૌપ્રથમ સમાચાર આગવી ઓળખ
અખબારને સ્વતંત્રપણે ચલાવવા જતાં જપ્તી, જડતી અને જેલ જ મળવાનાં હોય ત્યારે કોઈની પણ પરવા કર્યા વિના ‘ખાસ-ખબર’ જૂનાગઢ આવૃત્તિમાં સત્ય, સંપૂર્ણ, સચોટ અને સૌપ્રથમ સમાચાર સાથે બેધડક અભિપ્રાયો પ્રસિદ્ધ થતા રહ્યા છે. ‘ખાસ-ખબર’એ સમાચાર, વિષયવસ્તુ, લે-આઉટ વગેરેમાં એક વર્ષમાં અનેક વિક્રમ સ્થાપિત કર્યા છે. પીડિતો, વંચિતો, શોષિતોને ન્યાય અપવવાનો અખબારી ધર્મ ‘ખાસ-ખબર’ ખાસ રીતે નિભાવી રહ્યું છે અને નિભાવતું આવશે.