પ્રધાનમંત્રી મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ રોપ-વે ઊંચાઈના શિખર પર
25 ઓક્ટોબર 2020ના રોપ-વે શરૂ થયો હતો: પર્યટકો વધ્યા પણ સુવિધાનો અભાવ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપન હતું કે ગિરનાર પર્વત પર ગિરનાર રોપવે શરુ થાય ગુજરાતના અનેક વિકાસ કાર્યોમાં એક ગિરનાર રોપવે નરેન્દ્રભાઈનો ડ્રિમ પ્રોજેક્ટ હતો જયારે જૂનાગઢ ગિરનાર ઉડન ખટોલાનો પ્રારંભ થવાથી જૂનાગઢ જિલ્લાના પ્રવાસન વિકાસને નવી ઊંચાઈ મળી રહી છે. ગિરનાર રોપ વે શરુ થયાથી એટલે કે, 25 ઓક્ટોબર 2020થી ડિસેમ્બર -2022ના અંત સુધીમાં 16.39 લાખ લોકોએ ઉડન ખટોલાની રોમાંચક સફર માણી છે. એશિયાના સૌથી લાંબો અને ઊંચાઈ ધરાવતો ગીરનાર રોપ-વે પ્રવાસીઓમાં અનેરુ આકર્ષણ જમાવ્યું છે. વર્ષ-2022ના અંતિમ ડિસેમ્બર માસમાં જ એક લાખથી વધુ લોકોએ રોપ-વેની રોમાંચક સફર ખેડી હતી. રોપ-વેના માધ્યમથી ગરવા ગિરનારના અફાટ અને અદભુત સૌંદર્ય માણવાને પ્રવાસીઓ એક લ્હાવો માને છે. જ્યારે રોપ-વેની ટ્રોલી અંબાજી સુધી પહોંચે, ત્યારે સામે આવતી ગરવા ગિરનારની મહાકાય શીલાઓ, આ જ ઊંચાઈએથી જૂનાગઢ શહેરનો નજારો, ગિરનારની ઉંચી-નીચી ગીરીકંદરાઓ. ઉપરાંત અહીંયા આસ્થાભેર આવતા શ્રદ્ધાળુઓને થતી આધ્યાત્મિકની સાથે ભાવાત્મક અનુભૂતિ. આમ, ગિરનારનો સૌંદર્ય પ્રવાસીઓના માનસપટ્ટ પર કાયમ માટે અંકિત થઈ જાય છે.
ઓક્ટોબરથી માર્ચ-2021માં 3.57 લાખ, વર્ષ 2020-21માં 7.31 લાખ અને વર્ષ 2021-22માં 5.50 લાખ લોકોએ રોપ-વેના માધ્યમથી ગિરનારની સફર ખેડી હતી. આમ, ડિસેમ્બર-2022ના અંત સુધીમાં કુલ- 16,39,780 લોકોએ ઉડન ખટોલાનો આનંદ માણ્યો છે. જૂનાગઢ જિલ્લાની નજીક અન્ય મહત્વના પ્રવાસન સ્થળો આવેલા છે. દુનિયાભરમાં એશિયાટીક લાઈનનું એકમાત્ર ઠેકાણુ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન-અભયારણ્ય, દ્વાદશ જ્યોર્તિલિંગમાં પ્રથમ સોમનાથ જ્યોર્તિલિંગ. રળીયાપણું દિવ સહિતના અનેક જોવાલાયક સ્થળો જૂનાગઢ જિલ્લા નજીક આવેલા છે. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લાના પ્રવાસન ઉદ્યોગ વેગ મળે તે માટે નવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. મહોબતખાનના મકબરાનું અને ઉપરકોટના કિલ્લાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ શિવરાત્રી મેળો અને ઉપરાંત ભાવિક માટે ગિરનાર લીલી પરિક્રમા યોજાઇ છે. જેમાં લાખો શ્રઘ્ધાળુઓ ઉમટી પડે છે. જૂનાગઢ જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યંનો ભંડાર હોવાની સાથે આધ્યમિક, ઐતિહાસિક અને પૌરાણીક વારસાની જાહોજલાલી ધરાવે છે. ઉપરાંત સ્થાપત્ય બેનમૂન ઝાંખી અહિં જોવા મળે છે. જે પ્રવાસીઓ, અભ્યાસુઓ સહિત સૌ કોઈને આકર્ષે છે.

- Advertisement -
રોપ-વે બન્યો પણ પર્વત પર સુવિધાનો અભાવ
જૂનાગઢ ગિરનાર રોપ-વે નિર્માણ થયો તેને 2 વર્ષ જેટલો સમય થઇ ગયો ત્યારે આજે પણ ગિરનાર પર્વત પર આવતા યાત્રિકો માટે જોઈએ તેટલી સુવિધા નથી જેમાં ખાસ સૌચાલય અને પાણીની સમસ્યા છે એજ રીતે ગિરનાર પર્વત પર વીજળીનો મોટો પ્રશ્ન છે પૂરતા પ્રમાણ માં વીજળી મળતી નથી તેની સાથે યાત્રિકોને ચાલવામાં સીડી પર પેશ કદમી થઇ જતા ભાવિકોને ભીડનો સામનો કરવો પડે છે ત્યારે તંત્ર કયારે જાગશે અને ગિરનાર પર ખૂટતી સુવિધાનો હલ કયારે આવશે.
પર્વતના સોલાર અને શૌચાલય ધુળ ખાઇ રહ્યા છે
જૂનાગઢનાં ગિરનાર પર્વત પર આવતા યાત્રિકો માટે શૌચાલયની સુવિધા ઉભી કરવામાં આવી હતી અને તેની સાથે શોલાર સિસ્ટમ લગાવવામાં આવી હતી. જેમાં તંત્ર દ્વારા કોઇ પણ જાતની પાણીની સુવિધા કે સોલાર સિસ્ટમ ચાલુ ન હોવાથી હાલ ધુળ ખાઇ રહ્યા છે. સરકાર દ્વારા લાખોનો ખર્ચ કરવામાં આવે છે પણ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.


