ઘૂંટણની ઈજા બાદ સર્જરી પછી હવે સાજો થઈ ગયો છે પરંતુ તેણે પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા રણજી ટ્રોફીના રસ્તે ટીમ ઈન્ડિયામાં પાછો ફરવા આતુર છે પરંતુ તેને ટીમમાં સ્થાન મેળવતા પહેલા 24 જાન્યુઆરીથી ચેન્નઈમાં તમિળનાડુ અને સૌરાષ્ટ્રની વચ્ચે રમાનારી રણજી ટ્રોફી મેચ રમવો પડશે. જાડેજા ફાઈનલ રાઉન્ડ માટે તૈયાર છે. તે ઘૂંટણની ઈજાની સર્જરી પછી ટીમમાંથી બહાર હતો. 31 ઓગસ્ટે સપ્ટેમ્બરે એશિયા કપમાં હોંગકોંગની સામે ટી-20 મેચની તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ હતી.
જાડેજા (34 વર્ષ) આ સમયે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (એનસીએ)માં ’રિહેબિલિટેશન’ની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે અને તેને 9 ફેબ્રુઆરીએ નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ચાર મેચોની શ્રેણી પહેલા બે ટેસ્ટ માટે 17 સભ્યોની ટીમમાં સ્થાન અપાયું છે. જોકે, તેની ઉપલબ્ધતા તેની ફિટનેસ પર નિર્ભર કરશે અને જાડેજા ફિટ છે કે નહીં, તેનો ફેંસલો ચાર દિવસીય રણજી ટ્રોફી મેચ દમરિયાન જ થવાની શક્યતા છે.
રિપોર્ટ મુજબ, જાડેજાએ આ સપ્તાહની શરૂઆતમાં બેટિંગ અને બોલિંગ કરવાનું શરૂ કર્યું હતું, કેમકે તે એનસીએમાં પોતાનું રિહેબિલિટેશન પુરું કરવા તરફ છે.
જાડેજાને ટીમ ઈન્ડિયાની લાઈન-અપમાં મીડલ ઓર્ડરમાં 5 કે 6 નંબર પર મહત્વપૂર્ણ ખેલાડી તરીકે જોવામાં આવે છે. ખાસ કરીને રિશભ પંતની ગેરહાજરીમાં. સાથે જ તેની સ્પિન બોલિંગ પણ ચાર મેચોની શ્રેણીમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની સાથે ઉપયોગી સાબિત થઈ શકે છે.