ગીરગઢડા તાલુકાના એક ગામના સરપંચ અને જીલ્લા પંચાયતની એક બેઠક પર ભાજપના ઉમેદવારના પતિ સામે તેનાજ ગામની એક મહિલાએ ફસાવીને બ્લેકમેઇલ કરી દારૂની લત લગાડી બિભત્સ માંગણી કરી આખા ગામ અને સમાજમાં બદનામ કરી નાંખવાની ધમકી આપ્યાની પોલીસમાં અરજી કરી છે.
ગીરગઢડા તાલુકાના એક ગામના વર્તમાન સરપંચ અને જીલ્લા પંચાયતની એક બેઠક પર ભાજપના ઉમેદવારના પતિ સામે તેમનાજ ગામની એક પરિણીતને ગામના સરપંચે સાતેક માસ પહેલાં સોશ્યલ મીડિયામાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. મહિલા સરપંચને જાણતી હોવાથી અને તેમનાજ સમાજની હોવાથી તેણે ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. આથી થોડો સમય સામાન્ય વાતચીતના મેસેજની આપલે બાદ સરપંચે પરિણીતાને પ્રપોઝ કર્યું હતું. પરિણીતાએ પોતાને મેસેજ ન કરવા જણાવ્યું. આમ છતાં સરપંચે વારંવાર મેસેજ કરી મોબાઇલ નંબર માંગ્યો. બાદમાં પરિણીતાને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા સમજાવી. પરિણીતાએ ફોન મૂકી દીધો. પણ સરપંચ તેને સતત મેસેજ કરતો રહ્યો. સાથે ગાળો દઇ બિભત્સ માંગણી કરી. અને જો પોતાને તાબે ન થાય તો તેને આખા સમાજમાં અને ગામમાં બદનામ કરી નાંખવાની ધમકી આપી. આથી ડરીને પરિણીતા સોશ્યલ મીડિયામાં સરપંચ સાથે વાતચીત કરતી.
- Advertisement -
દરમ્યાન સરપંચે તેની પાસે બિભત્સ વીડિયો અને ફોટા મોકલવા માંગણી કરતાં પરિણીતાએ આપઘાત કરી લેવા કહ્યું. આથી સરપંચે તેને ટેન્શન દૂર કરવા દારૂ પીવાની સલાહ આપી. અને તેને અવારનવાર દારૂ પણ મોકલવા લાગ્યો. આ રીતે તેને દારૂની લત લગાડી. દરરોજ સરપંચ પરિણીતાને નશામાં જ બિભત્સ માંગણી કરતો. પરિણીતાએ સંબંધ પુરા કરવા કહી દીધું. આમ છતાં સરપંચે તેને રૂબરૂ મળવા દબાણ કર્યુ. આખરે પરિણીતાએ પતિને સઘળી હકીકત જણાવી. એક દિવસ છટકું ગોઠવી પતિ છૂપાઇ ગયો. અને સરપંચ ઘેર આવતાં અને પરિણીતાએ તેને સંબંધ રાખવાની ના પાડતાં તે બળજબરી કરવા લાગ્યો. એ વખતે પરિણીતાનો પતિ આવી જતાં સરપંચ ઉભી પૂંછડીએ ભાગી ગયો હતો. આથી પરિણીતાએ તેની સામે ગિરગઢડા પોલીસમાં લેખિત અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે.