ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા વાહન પાર્કિંગ પ્લોટમાં ખુલ્લેઆમ ચાલતો ભ્રષ્ટાચાર
GMB ઓખા પોર્ટ ઓફિસરની સહીવાળી પહોંચમાં રૂપિયા 58.98 વસૂલાય છે પરંતુ સુવિદ્યાના નામે મીંડુ!
- Advertisement -
રજાઓ દરમિયાન પાર્કિંગની રસીદ માત્ર 45ની બની તો બાકીનાં વાહનોનાં પાર્કિંગ ચાર્જ ક્યાં જાય છે?
ખાસ-ખબર સંવાદદાતા
યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષે લાખો યાત્રિકો શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે બેટ-દ્વારકા આવે છે. આ તમામ યાત્રિકોએ પોતાના વાહનો ઓખા પેસેન્જર જેટી પાસે આવેલા જીએમબીના પાર્કિંગ પ્લોટમાં રાખવાના હોય છે અને ત્યારબાદ બોટમાં બેસીને બેટ-દ્વારકા દર્શન કરવા માટે જવાનું હોય છે. નાતાલનું વેકેશન હોવાથી હજારો લોકો પોતાના વાહનો લઈને બેટ દ્વારકા જાય ત્યારે પાર્કિંગ પ્લોટમાં વાહનોનું પાર્કિંગ કરે છે. પરંતુ તપાસ કરતા સામે આવ્યું કે, હજ્જારોની સંખ્યામાં વાહનો આવવા છતાં પાર્કિંગ ચાર્જની 45 રસીદ બનાવવામાં આવેલી હતી. જે રસીદ આપવામાં આવેલી હતી. તેની ઓફીસ કોપીમાં વાહનના નંબર કે વાહનનો પ્રકાર લખેલો ન હતો. એનો સીધો મતલબ એવો થયો કે, હજારો વાહનોના પાર્કિંગમાં માત્ર 45 પહોંચ જ અપાઈ તો બાકીના વાહનોનું પાર્કિંગ ચાર્જના પૈસા ક્યાં ગયા? ઉપરાંત સલામતી અને સુરક્ષા બાબતે જોવા જઈએ તો આપેલી 45 પહોંચની ઓફિસ કોપીમાં વાહનોના નંબર પણ લખેલા નથી. વર્ષોથી ચાલતી આ લાલિયાવાડી અંગે ૠખઇ ઓખા ખાતે અનેક વખત ફરિયાદો થયેલી છે પરંતુ ઓખા જીએમબીમાં અમુક પેધી ગયેલા લોકોના હિસાબે ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.
- Advertisement -
ખરાઈ કરવામાં આવે તો મોટી ગેરરીતિ બહાર આવી શકે!
ઉચ્ચ કક્ષાએથી જો પાર્કિંગ પ્લોટના ચાર્જીસ અને વાહન પાર્કિંગની રસીદની જો તપાસ થાય તો મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવું દેખાઈ રહ્યું છે ! જ્યારે મેરીટાઇમ બોર્ડે પેસેન્જર જેટીએ કે પાર્કિંગ પ્લોટમાં ક્યાંય સીસીટીવી કેમેરા મુકેલા નથી.
તો શું પાર્કિંગ માટે હું ઊભો રહું? અમારે ઘણા કામ હોય છે: અધિકારીનો ઉડાઉ જવાબ
જ્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીને પાર્કિંગ બાબતે પૂછવામાં આવ્યું તો તેણે ઉડાઉ જવાબ આપ્યો કે, તો શું અમારે પાર્કિંગ માટે ઉભુ રહેવાનું, અમારે બીજા ઘણા કામ હોય છે.