જવાહર રોડ સ્થિત સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિની વાડી બાજુમાં ગેરકાયદે બાંધકામ બાબતે ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરપાલિકા બોગસ બિલ્ડીંગના નકશા પાસ કરવાનાં વધુ એક કૌભાડના આક્ષેપ સાથે જૂનાગઢ જવાહર રોડ સ્થિત સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિની વાડીની આજુ બાજુમાં ગેરકાયદેસર બાંધકામ બાબતે જાગૃત નાગરીક જીજ્ઞેશ પંડયાએ બી-ડીવીઝન પોલીસમાં ઇ-મેઇલ દ્વારા ફરિયાદ નોંધવાની અરજી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જૂનાગઢના જીજ્ઞેશ પંડયાએ એવા મતલબની બી-ડીવીજન પોલીસમાં ફરિયાદની અરજી કરી છે કે, જૂનાગઢ મહાનગરપાલિકામાં સરકારી રેકર્ડ સાથે ચેડા કરવાનું કૌભાંડ થઇ રહેલ છે. જેથી અમો જાગૃત નાગરિકના દરજજે તમોને લેખીત ફરિયાદ આપી રહ્યા છીએ અગાઉ અમોએ જુનાગઢમાં ચાલતા અનેક ગેરકાયદેસર બાંધકામો અને ગેરકાયદેસર પ્રવૃતિઓ વિરૂઘ્ધ કાર્યવાહી કરેલ છે.
- Advertisement -
અમો સમસ્ત બ્રહ્મ સમાજ સાથે સક્રિય રીતે જોડાયેલા હોઇએ અને જયારે બ્રાહ્મણ સમાજની વાડીની જગ્યાની આસપાસ ભૂ માફિયાઓ દ્વારા પેસકદમી કરેલ હોય અને બોગસ અને ખોટા માપ વાળા નકશા બનાવી બાંધકામ કરેલ હોય તેવા સંજોગોમાં અમોને ફરિયાદ કરવની ફરજ પડેલ છે. આ કેસની હકીક એવી છે કે, જૂનાગઢ જવાહર રોડ પાસે આવેલ સારસ્વત જ્ઞાતિની વાડી પાસે આવેલ ગલીમાં આવેલ સી.સ.બ્લોક નં.16, સી.સ.નંબર 481 (એકત્રિ કરણ થતા નવો સર્વે નંબર)ને જી પ્લસ-4 બાંધકામ વિકાસ પરવાનગી તા.23-10-2019ના રોજ મેળવેલ છે.
આ વિકાસ પરવાનગી આપતા પહેલા તેમાં બિલ્ડીંગનો નકશો રજુ કરવામાં આવેલ છે અને નકશામાં બિલ્ડીંગની પાસે 9 મિટરનો મુખ્ય રોડ બતાવલ છે. હકીકતમાં મંજૂર થયેલ બિલ્ડીંગની આસપાસ કોઇ પણ પ્રકારનો 9 મીટરનો રોડ હોય તો અને તો જ જી પ્લસ-4નું બિલ્ડીંગ બાંધવા માટે મંજૂરી મળી શકે.
- Advertisement -
એક જાગૃત નાગરિકે ગેરકાયદે બાંધકામ બાબતે બી-ડિવિઝનમાં અરજી કરી
ફરિયાદ દાખલ નહીં થાય તો કોર્ટમાં જવાની ચીમકી પણ આપી
આમ 9 મિટરનો પુરતો રસ્તો ના હોય અને બિલ્ડીંગ પાસે સાવ સાંકડો રસ્તો હોય અને તેમ છતા જવાબદારો દ્વારા હકીકતનાં રસ્તાથી વિપરીત રસ્તા બતાવી અને તે પ્રકારે ખોટા અને બનાવટી નકશા બતાવી અને મહાનગરપાલિકામાં મંજુરી માટે મુકેલ હોય અને તે રસ્તાની ખોટી માહિતી દર્શાવી અને મંજૂરી આપવા માટે રસ્તો સાંકડો હોવા હકીકતનાં રસ્તા કરતા પહોળો રસ્તો બતાવી બોગસ સરકારી રેકર્ડ ઉભા કરી અને સરકારશ્રી સાથે તેમજ મહાપાલિકા જૂનાગઢ અને જૂનાગઢની જાહેર જનતા સાથે મહાનગરપાલિકાના જવાબદાર સર્વેયર તથા જવાબદાર ઇજનેર દ્વારા છેતરપીંડી કરવા ઇરાદે બોગસ દસ્તાવેજો બનાવી બનાવી અને ખોટી રસ્તાના માપની આકારણી કરી આવા દસ્તાવેજો ખરા તરીકે ઉપયોગ કરી અને ગેર કાયદેસર બિલ્ડીંગને મંજુરી માટે મુકી અને ખોટા દસ્તાવેજ હોવા છતા તેમને ખરા તરીકે ઉપયોગ કરી મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા ભારતીય દંડ સહિતા કલમ 177 હેઠળ રાજય સેવકને ખોટી માહિતી પુરી પાડવા તેમજ કલમ 181 હેઠળ કોઇ રાજય સેવક પાસે ખોટુ કથન કરવા બાબત, તેમજ કલમ 197 જાણવા છતા ખોટું ખોટું પ્રમાણપત્ર આપી અને તેના પર સહી કરીને તેમજ ખોટું હોવાનું જાણવા છતાં ખોટું ખોટું પ્રમાણપત્ર આપી અને તેના પર સહી કરીને તેમજ ખોટુ હોવાનું જાણવા છતા પ્રમાણપત્રનો સાચા તરીકે ઉપયોગ કરીને કલમ 198 મુજબ, તેમજ પુરાવા તરીકે લઇ શકાય તેવા એકરારમાં ખોટુ કથન કરી કલમ 199 મુજબ તેમજ એકરાર ખોટું હોવાનું જાણવા છતા તેનો સાચા એકરાર તરીકે ઉપયોગ કરી કલમ 200 તેમજ કલમ 463 હેઠળ દગો થઇ શકે તે રીતે ફુટ લેખન કરી, કલમ 464 હેઠળમાં આપેલ વ્યાખ્યા મુજબ ખોટો દસ્તાવેજ બનાવી અને કલમ 465 હેઠળ આપેલ શિક્ષાને પાત્ર ગુનો કરેલ છે. તેમજ ઠગાઇ કરવાના હેતુથી કલમ ખોટો દસ્તાવેજ બનાવવા 468 મુજબ તેમજ બનાવટી દસ્તાવેજ ઉભો કરી અને કલમ 470 અને બનાવટી દસ્તાવેજનો ઉપયોગ ખરા તરીકે કરી અને કલમ 471 મુજબ તથા આ તમામ કાર્યવાહી ગુનાહિત ષડયંત્રથી કરી કલમ 120(બી) અન્વયે ગુનો આચરેલ છે.
આમ અમોને મળેલ જાણકારી મુજબ આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો કરેલ છે તેવું પ્રથમ દર્શનીય રીતે લાગે છે અને આ કેસમાં ગુનો નોંધી અને સત્વરે તપાસ કરવામાં આવે તો અને તો જ ગુનાની હકિકત સુધી પહોંચી શકાય તેમ છે. જેથી ઉપરોકત જવાબદારો વિરૂઘ્ધ ફરિયાદમાં જણાવેલ કલમો હેઠળ તેમજ અન્ય લાગુ પડતી કલમો હેઠળ, તાત્કાલિક તપાસ કરી અને લલિત કુમાર વી.સ્ટેફ ઓફ ઉતર પ્રદેશમાં આપેલ દિશા નિર્દેશ હેઠળ સત્વરે સીઆરપીસી કલમ 154(1) હેઠળ ગુનો દાખલ થવા વિનંતી કરાઈ છે.
મનપા 260ની નોટિસ આપી સંતોષ માને છે
જૂનાગઢ જવાહર રોડ સ્થિત સારસ્વત બ્રાહ્મણ વાડી પાસે થયેલ ગેરકાયદે બાંધકામ મુદ્દે તા.24-6-2022ના રોજ 260 મુજબની નોટિસ પાઠવી સંતોષ માની લીધો હોય તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે આજસુધી મનપા તંત્ર ચાર માળના બિલ્ડીંગની કામગીરી રોકી ન શક્યું અને બાંધકામ ચાલુ રહ્યું તેવું સાબિત થાય છે.