ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ઝીંગા ઉછેર તળાવો મોટી સંખ્યામાં વિકાસ પામ્યા છે.જે હાલમાં ઘણા વિસ્તારમાં વિસ્તરણ પામી રહેલ છે અને અનેક લોકો આ પ્રવૃત્તિ દ્વારા રોજગાર મેળવે છે,પરંતુ ઝીંગા ઉછેરમાં થતા વિવિધ પ્રકારના વાઈરલ, બેક્ટેરીયલ વગેરે રોગોને લીધે ઉછેરકોને ખુબ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે જે એક ખુબ મોટી સમસ્યા છે.આ સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકારની રાષ્ટ્રીય મત્સ્ય આનુવાંશિકી સંશોધન સંસ્થા એનબીએફજીઆર, લખનઉ દ્વારા 2013 મા રાષ્ટ્રીય સ્તરે એક સંશોધન પ્રોજેક્ટ “નેશનલ સર્વેલન્સ પ્રોગ્રામ ઓન એકવેટીક એનીમલ ડીસીઝ” તૈયાર કરવામાં આવેલ.આ કાર્યક્રમનો મૂળ હેતુ મત્સ્ય ઉછેર દરમ્યાન થતા વિવિધ રોગોની ઓળખ, દેખરેખ તેમજ નવા રોગો વિષેની જાણકારી મેળવવી તથા તેમનો અટકાવ કરવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત ભારત ભરમાંથી વિવિધ રાજ્યોની પસંદગી કરવા આવેલ છે.જે પૈકી વેરાવળ ખાતે કાર્યરત ફિશરીઝ કોલેજને ગુજરાત રાજ્યમાં ઝીંગા ઉછેરમાં આવતા રોગોની દેખરેખ તથા નિયંત્રણ માટે પસંદ કરવામાં આવેલ, આ પ્રોગ્રામ નો પ્રથમ ફેજ વર્ષ 2013 થી 2021 સુધી મંજૂર થયેલ જે માટેનુ ફંડ, નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ, હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલ હતું.
ગુજરાત રાજ્ય અને ભારતભરમા મત્સ્ય ઉછેરના રોગોની તેમજ તેના અટકાવ માટેની માહિતી મળી રહે તેમજ નવા રોગોની ઓળખ જલ્દી અને યોગ્ય સમયે થઇ શકે તે માટે આ યોજના ખુબ અગત્યની હોવાથી, આ પ્રોજેક્ટનો બીજો ફેઝ વર્ષ 2022ના અંતમાં ફરીથી ત્રણ વર્ષ માટે શરૂ કરવામાં આવેલ છે. જેના માટેનું ફંડ, ડિપાર્ટમેંટ ઓફ ફિશરીઝ, મિનિસ્ટ્રી ઓફ ફિશરીઝ, એનિમલ હસબન્ડરી અને ડેરી, ગવર્મેન્ટ ઓફઈન્ડિયા દ્વારા ફાળવવામાં આવેલ છે. આ પ્રોજેક્ટમાં પ્રો. પ્રકાશ વી. પરમાર, ડો.એસ.આઈ. યુસુફ્સાઈ, ડો. કે.એચ. વાઢેર, ડો. એચ.વી. પરમાર અને તેમના માર્ગદર્શન નીચે રેખા નાનજિયાણી તથા વિશાલ રાઠોડ, યંગ પ્રોફેશનલ -2 તરીકે સંશોધન કાર્ય કરી રહેલ છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના વિવિધ ઝીંગા તળાવો પરથી ઝીંગાનું સેમ્પલ લઇ, લેબોરેટરીમાં તેના રોગોની ઓળખ કરી ઝીંગાના રોગોની માહિતી મેળવવામાં આવે છે અને ઝીંગા ઉછેરકોને આ બાબતે યોગ્ય માહિતી આપવામાં આવે છે. તે બાદ દર મહિને રોગોની માહિતી એનબીએફજીઆર, લખનઉ આપવામાં આવે છે જેથી ભારતભરમાં કયા પ્રકારના રોગો જોવા મળે છે તેનો ડેટાબેઝ તૈયાર કરી શકાય અને તેના આધારે મત્સ્ય પાલકોને રોગોને લીધે કેટલું નુકશાન થાય છે તેનો અંદાજ લગાવી શકાય આ પ્રોજેક્ટની શરૂઆતમાં મોનોડોન અને વેનામેય જિંગાનો ઉછેર થતો જેમાં ખાસ કરીને વ્હાઇટ સ્પોટ ડિસિઝ નાલીધે ખૂબ નુકશાન વેઠવું પડતું. હાલના વર્ષોમાં વૈનામેય ઝીંગાનો ઉછેર ખૂબ વધી ગયો છે. જેથી વ્હાઇટ સ્પોટ ડિસિઝની સાથે નવા રોગો જેમકે એનટેરોસાયટોજુઅન હિપેટોપીની તેમજ ઇન્ફેકશીયસ માયોનેકરોસીસ જેવા રોગો પણ સામાન્યપણે જોવા મળે છે.આ પ્રોજેક્ટ અંતર્ગત ઝીંગા ઉછેરકોને રોગોની તેમજ તેને અટકાવવાના ઉપાયોની માહિતી મળી રહે તે માટે સમયાંતરે ઓનફાર્મ ટ્રેનિગ તેમજ અવેરનેશ કાર્યક્રમો યોજવામાં આવે છે. તે ઉપરાંત કોલેજમાં રોગોની ઓળખ કય રીતે કરાય છે તેની માહિતી માટે કોલેજ ખાતે પણ ઝીંગા ઉછેરકો તેમજ ફિશરિઝ અધિકારીઓ માટે પણ ટ્રેનિગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઝીંગા ઉછેરકો ને રોગોની જાણકારી સરળતાથી મળે તે માટે વિવિધ પેમલેટ પણ ગુજરાતી ભાષામાં તૈયાર કરી વિતરણ કરાય છે.