દસાડાથી માલવણ વચ્ચે ઉઘરાણા કરતા હતા
ખાસ-ખબર સંવાદદાતા
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાથી માલવણ વચ્ચેના રોડ પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી ઉઘરાણા કરતા ત્રણ શખ્સોને મોરબી એસીબી ટીમે ઝડપી પાડી એક લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી. મોરબી એસીબી ટીમને ટોલ ફી નંબર 1064 થી માહિતી મળી હતી કે, સુરેન્દ્રનગર જીલ્લાનાં દસાડાથી માલવણ ચોકડીની વચ્ચે ટ્રક તથા અન્ય વાહનોને હેરાન કરીને વાહનચાલકો પાસેથી રૂ. 100 થી રૂ. 1000 સુધીની ગેરકાયદેસર લાંચની માંગણી કરી કેટલાક શખ્સો પૈસા પડાવે છે જે આધારભુત માહિતીની ખરાઈ કરવા ડીકોયરનો સહકાર મેળવી લાંચના ડીકોય છટકાનું આયોજન કરતા સહકાર આપનાર ડીકોયર પાસેથી પોલીસ તરીકેની ઓળખ આપી વાહન રોકીને આરોપી મયુદિન કેશુભાઈ સોલંકી રૂ. 200 ની લાંચની માંગણી કરીને સ્વીકારતા પકડાઈ ગયો હતો ત્યારબાદ એસીબી ટીમે ઇમરાન અબ્દુલ ઢમઢમા અને અવેશ સીકંદર પરમાર નામના વધુ બે આરોપીઓને ત્યાંથી ઝડપી લીધા હતા અને ત્રણેય આરોપીઓ પાસેથી એસીબી ટીમે રોકડા રૂપિયા 20,810, ત્રણ મોબાઈલ (કિં. રૂ. 16 હજાર) તથા આગળ પોલીસનું બોર્ડ લગાવેલ અલ્ટો કાર (કિં. રૂ. 70 હજાર) મળી કુલ રૂ. 1,06,810 નો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.