બિલ વગર સિરામિક પ્રોડક્ટનાં વેચાણ મામલે વિટ્રિફાઈડ સિરામિક એકમો સામે કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં બિલ વગર સિરામીક પ્રોડક્ટના વેચાણ અને કબૂતરબાજી મામલે ડાયરેક્ટર જનરલ ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ ઇન્ટેલિજન્સની ટિમો દ્વારા મોરબીના પાંચ સિરામીક ઉત્પાદકો અને ચાર ટ્રેડર્સને ત્યાં દરોડા પાડવામાં આવતા સમગ્ર મોરબીના સિરામીક જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મોરબીમાં સિરામિક ફેક્ટરીમાંથી બીલ વગર કે અન્ડર ઈન્વોઈસથી સિરામિક ટાઈલ્સનું વેચાણ થતું હોવાની મળેલી માહીતીના પગલે ડીજીજીઆઈ એટલે કે ડાયરેકટર જનરલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલીજન્સના અધિકારીઓની રાજ્કોટ અને અમદાવાદની ટીમ ત્રાટકી હતી અને અલગ અલગ પાંચ સિરામિક ફેક્ટરી અને ચાર ટ્રેડર્સને ત્યાં વહેલી સવારથી અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડીજીજીઆઈના દરોડાની કાર્યવાહીની જાણ થતા સિરામિક ઉધોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને જે જે ફેક્ટરી કે ટ્રેડર્સને ત્યાં દરોડા પડ્યા છે તેમાં મોટા પાયે બીલ વગર સિરામિક પ્રોડક્ટનું વેચાણ થતું હોવાનું સામે આવતા આગામી દિવસોમાં ત્યાંથી મોટા પ્રમાણમાં ટેક્સ ચોરી સામે આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીની સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં ચાલતી ટેક્સ ચોરીને પગલે છેલ્લા થોડા સમયથી સીજીએસટી અને એસજીએસટી વિભાગની મોબાઈલ સ્ક્વોડ પણ મોરબી પંથકમાં હાઇવે ઉપર સતત મોનીટરીંગ કરી ટાઈલ્સ પરિવહન કરતા ટ્રકની ચકાસણી કરી સઘન માહિતી મેળવી રહી છે તેવા સંજોગોમાં હવે ડાયરેક્ટર જનરલ ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ ઇન્ટેલિજન્સ દ્વારા દરોડાનો દૌર શરૂ કરવામાં આવતા સીરામીક એકમો અને ટ્રેડર્સને ત્યાંથી મોટાપાયે બે નંબરી વ્યવહારો બહાર આવે તેમ હોવાનું માનવામાં આવી રહ્યું છે.