બાકીના વાહનો બળીને ખાખ તે પહેલા ફાયરબ્રિગેડની ટિમે આગ પર કાબૂ મેળવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા ભકિતનગર પોલીસ સ્ટેશનના પટાંગણમાં ગઈકાલે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. તેમજ પોલીસ દ્વારા અલગ અલગ ગુના હેઠળ મુદ્દામાલમાં રિકવર કરાયેલા વાહનો આગની ઝપેટમાં આવી જતા 18 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. જ્યારે બાકીના વાહનો બળીને ખાખ તે પહેલા ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
- Advertisement -
ભક્તિનગર પોલીસ સ્ટેશનના પટાંગણામાં ગઈકાલે રાત્રે અચાનક આગ લાગતા પોલીસે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. આથી ફાયર ફાઈટર તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે મુદામાલમાં રિકવર કરેલા 70 જેટલા વાહનો પટાંગણમાં પડ્યા હતા. જે પૈકી 18 જેટલા વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા અને બળીને ખાખ થઈ ગયા હતા. જ્યારે ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચી પાણીનો મારો ચલાવતા બાકીના વાહનો આગની ઝપેટમાં આવતા બચી ગયા હતા. જો કે અચાનક આગ કેવી રીતે લાગી તે હજુ જાણી શકાયું નથી.