– વર્ષ 1977થી પેન્ડિંગ સંપત્તિ વિવાદ મામલે કાર્યવાહી
ગુજરાત હાઈકોર્ટે સોમવારે આણંદમાં નીચલી કોર્ટના નવ જજોને આડેહાથ લીધા હતા. હાઈકોર્ટે 1977થી પેન્ડિંગ પ્રોપર્ટી વિવાદનો અંત લાવવા નિર્દેશ આપ્યો હતો. અરજદારની ઉંમર હવે 86 વર્ષની થઈ ગઈ છે. હાઈકોર્ટે આદેશનું પાલન ન કરવા બદલ તમામ 9 જજો સામે તિરસ્કારની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
- Advertisement -
ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની બેન્ચે આ અવમાનના નોટિસ જાહેર કરી છે. તિરસ્કારની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, હાઇકોર્ટે નિર્ધારિત સમય મર્યાદામાં મામલો પતાવવાનો આદેશ આપ્યો હતો. ન્યાયાધીશોએ સ્પષ્ટપણે આ આદેશનું ઉલ્લંઘન કર્યું અને અવગણ્યું.
શું હતો સમગ્ર મામલો ?
નીચલી અદાલતે 1985માં મિલકત વિવાદમાં પોતાનો ચુકાદો આપ્યો હતો, પરંતુ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. બીજી લાંબી કાનૂની પ્રક્રિયા પછી નવેમ્બર 2004માં મામલાના સમાધાન માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2005 હતી. આ કેસ આણંદ કોર્ટમાં પરત મોકલવામાં આવ્યો હતો.
- Advertisement -
9 જજ પાસેથી ખુલાસો મંગાયો
ગયા શુક્રવારે હાઈકોર્ટે આ કેસની સુનાવણીની અધ્યક્ષતા કરી રહેલા તમામ જજો પાસેથી ખુલાસો માંગ્યો હતો. ખંડપીઠે વિલંબ માટે ન્યાયાધીશોના ખુલાસાને ચોંકાવનારો ગણાવ્યો હતો. બેન્ચે તો ત્યાં સુધી કહ્યું કે આ મામલાને અત્યંત બેદરકારીથી હાથ ધરવામાં આવ્યો હતો. જોકે જુદા જુદા સમયે આ કેસની સુનાવણી કરનારા 18 જજોમાંથી 2 મૃત્યુ પામ્યા છે અને 6 નિવૃત્ત થયા છે. ખંડપીઠે તે વિશેષ અદાલતની અધ્યક્ષતા કરતા જજને 3 દિવસ માટે માફી આપી હતી. 99 થી 1,350 દિવસ સુધીના કેસ પેન્ડિંગ હોવાને કારણે 9 અન્ય લોકો હવે તપાસ હેઠળ છે. હાઈકોર્ટની બેન્ચે જજ પીપી મોકાશી અને સુનીલ ચૌધરીને પણ ઠપકો આપ્યો હતો. બંને ન્યાયાધીશોએ આપેલા ખુલાસાથી બેંચ સંતુષ્ટ ન હતી. પીપી મોકાશી હાલ ભરૂચની ઝઘડિયા કોર્ટમાં પોસ્ટેડ છે.