આજે ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્રમાં અધ્યક્ષ પદે શંકર ચૌધરીની પસંદગી કરાયા બાદ હવે ઉપાધ્યક્ષની પણ પસંદગી કરવામાં આવી છે. વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડ પસંદગી કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગી કરવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની પસંદગી કરવામાં આવી છે. આજે વિધાનસભા ગૃહની પ્રથમ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં અધ્યક્ષના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને મંત્રી ઋષિકેશ પટેલે ટેકો આપ્યો હતો. જે બાદ સર્વાનુમતે પ્રસ્તાવનો સ્વીકાર કરાયા બાદ અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની પસંદગી કરવામાં આવી હતી. જે બાદ સિનિયર મંત્રી કનુ દેસાઈએ વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને સંસદીયમંત્રી ઋષિકેશ પટેલે ટેકો આપ્યો હતો. આ પ્રસ્તાવને સર્વાનુમતે સ્વીકાર કરાયા બાદ જેઠા ભરવાડની ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે.
- Advertisement -
ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડનું નામ કરાયું હતું નક્કી
આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાંથી 156 બેઠકો પર પ્રચંડ જીત મેળવી હતી. ગાંધીનગરમાં નવા સચિવાલય પાસેના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 12મી ડિસેમ્બરે ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0ના નવા મંત્રીમંડળે પણ શપથ ગ્રહણ કર્યા હતા. મંત્રીઓએ પદભાર સંભાળ્યા બાદથી વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ લઇને ઘણા નામો ચર્ચાઇ રહ્યા હતા. અંતે ભાજપ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કરાયું હતું. જ્યારે ઉપાધ્યક્ષ તરીકે શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનું નામ નક્કી કરાયું હતું.
શહેરા બેઠક પરથી જીત્યા હતા જેઠા ભરવાડ
પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકોમાં શહેરા બેઠક ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. અહીં ભાજપે ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ ન આપતા આ બેઠક ચર્ચામાં રહી હતી. ભાજપે ફરી સીટીંગ MLA જેઠા ભરવાડને ટિકિટ આપી હતી. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. કોંગ્રેસ આ બેઠક પર ખાતુભાઈ પગીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીએ તખતસિંહ સોલંકીને ટિકિટ આપી હતી. જોકે, આ ચૂંટણીમાં શહેરા બેઠક પરથી પોલીસ-કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચનારા જેઠાભાઈ ભરવાડ બાજી મારી ગયા હતા. શહેરાની જનતા ફરી એકવાર જેઠા ભરવાડને ચૂટી લાવતા તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
કોણ છે જેઠા ભરવાડ?
– શહેરા ભાજપના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે
– તેઓ 1998થી 2022 સુધી 6 વાર શહેરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે.
– વર્ષ 1998માં જેઠાભાઈ ભરવાડ સમાજવાદી પક્ષ તરફથી ચૂંટાઈને આવ્યા હતા.
– વર્ષ 2002માં તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને અને કોંગ્રેસ ઉમેદવાર છત્રસિંહને હરાવ્યા હતા.
– ત્યારથી લઈને વર્ષ 2022 સુધી જેઠાભાઈ આ બેઠક પર જીતતા આવ્યા છે.