બેન્ચ બદલવા બાબતે વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરના રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિધાલયમાં અભ્યાસ કરતા ધોરણ 12 ના વિદ્યાર્થીને બેન્ચ બદલવા જેવી સામાન્ય બાબતમાં શિક્ષક દ્વારા ગરદન ઉપર માર મારવામાં આવતા બેભાન થઈ ગયેલા વિદ્યાર્થીને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે શાળા સંચાલકે કહ્યું હતું કે, છોકરો તોફાની છે એટલે શિક્ષકે માર માર્યું હશે બાકી બીજો કોઈ ઈરાદો ન હોવાનું જણાવ્યું હતું.મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિધાલયમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા ઈબ્રાહીમ હુશેનભાઈ નામના વિદ્યાર્થીને શાળાના શિક્ષકે બેન્ચ બદલવા જેવી સામાન્ય બાબતમાં ગરદન ઉપર માર મારતા આ વિદ્યાર્થી બેભાન થઈ ગયો અને વિદ્યાર્થીને પરિવારજનોએ મોરબી સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસે મોરબીની નીલકંઠ વિદ્યાલયના શિક્ષક ગૌતમદાસ સામે વિદ્યાર્થીને માર મારવાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ મામલે શાળાના ટ્રસ્ટી જીતુભાઈ વડસોલાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી ક્લાસમાં તોફાન કરતો હતો અને ટીચર સામું બોલતો હતો જેથી શિક્ષકે પીઠ પર ત્રણ ધબ્બા માર્યા હતા તેમજ ઓફિસમાં બોલાવી કંઈ તકલીફ નથી ને તેવું પણ ટ્રસ્ટીઓએ પૂછ્યું હતું. અગાઉ વિદ્યાર્થીને તોફાન કરતો હોવાથી બે વખત એલસી આપવાનું પણ શાળાએ કહ્યું હતું જોકે વિદ્યાર્થી ધોરણ 12 માં હોવાથી અભ્યાસ ન બગડે તે માટે પરિવારે વિનંતી કરતા બાળકનો અભ્યાસ ચાલુ રખાવ્યો હતો.