ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા સામાજીક દૂષણોને ડામવા એક પછી એક માથાભારે અપરાધીઓ વિરુદ્ધ પાસા અને હદપારી હુકમ કરી મોરબીને ગુન્હેગાર મુક્ત કરવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અન્વયે મોરબી તાલુકા વિસ્તારમાં શરીર સંબંધી ગુન્હાઓ આચરતા બે સગા ભાઈઓને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા છે જ્યારે મોરબી શહેરના બે રીઢા ગુનેગારોને પાંચ જીલ્લામાંથી હદપાર કરાયા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા ઈસ્યુ થયેલ પાસા વોરંટની બજવણીના હુકમ અન્વયે ઈમ્તીયાઝ અબ્દુલભાઇ ઉર્ફે કાનો કૈડા (ઉ.વ.24) અને ફિરોજ ઉર્ફે ભુરો અબ્દુલભાઇ ઉર્ફે કાનો કૈડા (ઉ.વ. 23, રહે. બંને મસ્જીદ શેરી, સંધીવાસ, જેતપર તા.જી મોરબી) અગાઉ શરીર સંબધી ગુન્હાઓમાં સંડોવાયેલા હોય જેને તાલુકા પોલીસે પાસા એકટ હેઠળ અટકાયત કરી પોરબંદર તથા વડોદરા જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર મારામારી તેમજ દેશી દારૂ જેવા ગુન્હાઓમાં ઝડપાયેલ ઈમરાન મામદભાઇ પલેજા અને અલી દાઉદભાઇ પલેજા (રહે. બંને કાલીકા પ્લોટ, બાવા અહેમદશા મસ્જીદની બાજુમાં, મોરબી) વિરુધ્ધ હદપારીની દરખાસ્ત કરવામા આવતા સબ. ડીવી. મેજીસ્ટ્રેટ, પ્રાંત કચેરી, મોરબી દ્વારા હદપારી મંજુર કરી બંને ઈસમોને મોરબી જીલ્લા, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છ જીલ્લામાંથી હદપાર કરવામાં આવેલ હોય જેથી બંને ઈસમોને હદપારીની બજવણી કરી આ તમામ જીલ્લાઓ બહાર મોકલી આપવા તજવીજ કરવામાં આવી હતી.
સામાજીક દુષણો પર ડામ: ચાર માથાભારે તત્વો સામે લાલ આંખ કરતી મોરબી પોલીસ
