ઝુલતાં પુલની કાર્યવાહીમાં અમે ક્યાંય સહી નથી કરી: પાલિકાનાં 46 સભ્યોની CMને રજૂઆત
દુર્ઘટનામાં નગરપાલિકાની ગંભીર બેદરકારી હોવા છતાં રજૂઆત કરનાર સભ્યોને સત્તાની ભૂખ!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઇકોર્ટના કડક વલણને પગલે ગમે ત્યારે નગરપાલિકા સુપરસીડ થાય તેમ છે ત્યારે મોરબી નગરપાલિકાના ચૂંટાયેલા 52 પૈકી 46 જેટલા સભ્યોએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી ન્યાયના હિતમાં માત્ર કસુરવાન સામે પગલા ભરી પાલિકાની આખી બોડીને સુપરસીડ નહીં કરવા માંગ કરી છે.
મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં હાઈકોર્ટનું કડક વલણ જોતા રાજ્ય સરકાર આ ઘટનામાં કડક કાર્યવાહી કરે તેવા ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે તેમાં પણ રાજ્ય સરકાર મોરબી નગરપાલિકાને સુપરસીડ કરે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે હવે સુપરસીડ થવાનો ડર પાલિકાના ચૂંટાયેલા સદસ્યોમાં પણ દેખાઈ રહ્યો છે અને સદસ્યો પાલિકા સુપડસીડ ન થાય તેવા હવાતિયાં મારી રહ્યા છે ત્યારે મોરબી નગરપાલિકાના ચૂંટાયેલા 52 માંથી 46 સભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી લેખિત રજૂઆત કરી છે કે, ગત ઓક્ટોબરમાં બનેલી ઝૂલતા પૂલની ઘટના સાથે તેઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ સંબંધ નથી. ઝૂલતો પુલ ખાનગી કંપનીને સોંપવાની કાર્યવાહીમાં થયેલા દસ્તાવેજમાં તેઓની ક્યાંય સહી નથી તેમજ આ અંગે જનરલ બોર્ડમાં પણ ઠરાવ કરવામાં આવ્યો નથી જેથી તેઓની પણ કોઈ જવાબદારી નથી. જો પાલિકાને સુપરસીડ કરવામાં આવશે તો તેઓ સાથે અન્યાય થશે જેથી સમગ્ર બોડીને સુપરસીડ કરવાની બદલે જે જવાબદાર હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે અને રજૂઆત કરનાર તમામ સભ્યોએ પાલિકાને નિયત મુદત સુધી ચાલુ રાખવામાં આવે તેવી માંગણી કરી છે.
આ સુધરાઈ સભ્યોને દોઢ મહિને યાદ આવ્યું કે અમે સહી કરી જ નથી !
મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડ્યાની દુર્ઘટનાને આજે દોઢ માસ જેટલો સમય વીતી ચુક્યો છે અને 135 નિર્દોષ લોકોના ભોગ લેવાઈ ચુક્યા છે છતાં પણ મોરબી નગરપાલિકાના સદસ્યો ક્યાંય સામે આવ્યા ન હતા અને હવે નગરપાલિકાને સુપરસીડ કરવા માટેની હિલચાલ નજરે પડતા 46 સદસ્યોને દોઢ મહીને પોતે સહી કરી નથી તેવું યાદ આવ્યું છે અને હજુ પણ તેમનો કાર્યકાળ પૂર્ણ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે તો આ અંગે નગરપાલિકાના શાસક પક્ષના નેતા કમલેશ દેસાઈએ જણાવ્યું હતુ કે, 49 સદસ્યો મુખ્યમંત્રી રજૂઆત કરવા માટે જઈશું, હાલ 49 માંથી 47 સદસ્યોએ સહી કરી છે. બીજા સદસ્યો પણ હવે સહી કરી આપશે.