માળીયાના બગસરામાં દરીયાકાંઠે આવેલ જમીનોમાં પાળા બનાવીને કબ્જો જમાવતા માથાભારે તત્વો
ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને રજુઆત કરીને કાર્યવાહીની માંગ, કબ્જો દૂર નહીં થાય તો હાઈકોર્ટમાં જવાની ચીમકી
- Advertisement -
અનેક રજૂઆતો બાદ પણ તંત્ર કાર્યવાહી કરવામાં ’નિરસ’
ખાસ-ખબર સંવાદદાતા
માળિયા મિંયાણા તાલુકાના બગસરા ગામે દરિયાકાંઠે રહેતા અમુક માથાભારે તત્વો દરીયાની સર્વે નંબરની જમીનોમાં ગેરકાયદેસર રીતે પાળા બનાવીને કબ્જો જમાવી રહ્યા હોય જેથી ગેરકાયદેસર બાંધકામો બંધ કરાવવા તથા ખોટી માછીમારીના બહાને ગ્રામજનોને આવા લુખ્ખા તત્વો ધાક ધમકીઓ આપતા હોવાની ફરિયાદ સાથે બગસરા ગ્રામ પંચાયતે જિલ્લા કલેકટરને રજુઆત કરી માથાભારે માણસોનો ગેરકાયદે કબ્જો દૂર ન થાય તો હાઈકોર્ટેમાં જવાની ચીમકી ઉચ્ચારી છે.
- Advertisement -
બગસરા ગ્રામ પંચાયતે જિલ્લા કલેકટરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, માળીયા મિંયાણા તાલુકાના બગસરા ગામે દરીયાકાંઠે માથાભારે તત્વો દરીયાની સર્વે નંબરની તથા નીલ સર્વે નંબરની જમીનો પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરતા હોય તાત્કાલિક બાંધકામ બંધ કરાવવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામજનો દ્વારા આવા તત્વોને મંજૂરી બાંધકામ કરવાની ના પાડવામાં આવે તો ખોટી ધમકીઓ આપીને અહીં ગામના કોઇપણ વ્યકિતએ આવવું નહીં અને જો આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપતા હોય છે. હાલ તે જમીન પર હિટાચી મશીનો દ્વારા બાંધકામ પણ ચાલુ હોય અને ગામની અંદર આવીને દાદાગીરી કરે છે. ગેરકાયદે કાચા પાળા બનાવીને કબ્જા કરીને બહારની કંપનીને તથા મોટા માણસોને વેચાતી જમીનો આપવાના ધંધા કરતા હોય તથા નીલ સર્વે નંબર ઉપર ગેરકાયદે મીઠુ ઉત્પાદન કરવાના હેતુથી પ્લાન ઉભા કરેલા હોય તથા મીઠી જમીનને ખારી જમીન કરવામાં આવી રહી છે.
વધુમાં રજૂઆતમાં જણાવાયું છે કે, માલધારીઓનો ધાસચારો નાસ પામવા જઈ રહ્યો છે અને મીઠી જમીન પર ગેરકાયદે મીઠાના ઢગલા કરી જમીનની ખારાસ કરી નાખેલ છે. આ ઉપરાંત બગસરા ગામની હદમાં દરીયાકાંઠે જમીન પર તથા ત્યાં મીઠા ઉત્પાદકો દ્વારા ગેરકાયદે અનેક બોર કરેલા છે જેથી બગસરા ગામની હદમાં આવતી તમામ જમીનો પર સર્વે કરી આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે માંગ કરવામાં આવી છે. આવી રીતે સરકારી જમીનોમાં ગેરકાયદેસર પાળા બનાવીને મીઠા ઉત્પાદન ચાલુ રહેશે તો ગામના દસ એકરના અનેક અરજદારો હોય તો તેમને પણ આવી રીતે બાંધકામ કરવાની પરમીશન આપવામાં આવે અન્યથા આ પ્રશ્નનો યોગ્ય નીકાલ નહીં આવે તો આવનારા દીવસોમાં ગામ વતી હાઈકોર્ટમાં જાહેર હીતની અરજ કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.