ખાસ-ખબર સંવાદદાતા
સામાન્ય રીતે માતાને કરુણાની મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે જે પોતાના સંતાનો માટે ગમે તે કરી છૂટતી હોય છે તો ક્યારેક એવી ઘટનાઓ પણ બનતી હોય છે જેમાં કરુણા મૂર્તિ તરીકે ઓળખવામાં આવતી આ માતા એટલી હદે નિષ્ઠુર બની જતી હોય છે કે પોતાના ગર્ભમાં નવ મહિના ઉછરેલા સંતાનને ત્યજી દેતી હોય છે ત્યારે મોરબીમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે.
મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામની સીમમાં આવેલ નિત્યરાવ સીરામીકની સામેના ખુલ્લા મેદાનમાં એક માતા તેના નવજાત બાળકને ખુલ્લામાં મૂકીને જતી રહી હતી. વહેલી સવારે કામ કરતા શ્રમિકોને બાળકનો અવાજ સંભળાતા તેઓ ત્યાં દોડી ગયા હતા જ્યાં બાળક નવજાત હાલતમાં રડતું હતું જ્યારે તેની આસપાસ તપાસ કરતા કોઈ મહિલા કે અન્ય વ્યક્તિ મળી ન આવતા તેઓએ ગામના આગેવાનોને જાણ કરી હતી જે બાદ ગામના પૂર્વ સરપંચ અશોકભાઈએ મોરબી તાલુકા પોલીસ અને 108 ને જાણ કરી હતી જેથી મોરબી 108 ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બાળકીને સુરક્ષિત રીતે ઝાડી ઝાંખરામાંથી ઉપાડીને પ્રાથમિક સારવાર આપી હતી તેમજ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી તો બીજી તરફ મોરબી તાલુકા પોલીસે ટીમે પણ આસપાસના લોકોની પૂછપરછ કરી બાળકને મૂકી જનાર માતાની શોધખોળ હાથ ધરી છે.