રાણો રાણાની રીતે ફેઈમ દેવાયત ખવડનો મયુરસિંહ રાણા પર જાનલેવા હુમલો
રાજકોટનાં સર્વેશ્વર ચોકમાં ભરબપોરે દેવાયત ખવડે મયુરસિંહ રાણાનાં હાથ-પગ ભાંગી નાંખ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વાણી અને વર્તનથી કુખ્યાત બની ચૂકેલા દેવાયત ખવડે તેમના એક સાથીદાર સાથે આજ રોજ બપોરજ સમયે રાજકોટના સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા નામના શખ્સ પર લોખંડના પાઈપ વડે જાનલેવા હુમલો કર્યો હતો. દેવાયત ખવડ અને મયુરસિંહ રાણા વચ્ચે છેલ્લા કેટલાંક સમયથી માથાકૂટ ચાલી રહી હતી, પોલીસમાં અરજી પણ થઈ હતી. આ દરમિયાન દેવાયત ખવડે મયુરસિંહ રાણા સાથે ચાલી રહેલી માથાકૂટ મામલે આજે તમામ હદ પાર કરી નાખી હતી, મયુરસિંહ રાણા પર દેવાયત ખવડે જાનલેવા હુમલો કર્યો હતો. આ અંગે હોસ્પિટલના બિછાનેથી ઘાયલ થયેલા ગરાસિયા યુવાન મયુરસિંહ અશોકસિંહ રાણા (ઉ.વ.30, રહે.કાલાવડ રોડ, વિષ્ણુવિહાર સોસાયટી)એ જણાવ્યું કે આજે બપોરે 2:45 વાગ્યાના અરસામાં તે જ્યારે સર્વેશ્વર ચોકમાં ઉભો હતો ત્યારે સફેદ કલરની કાળા કાચવાળી સ્વિફ્ટ કારમાં દેવાયત ખવડ અને તેની સાથે એક અજાણ્યો શખ્સ ધસી આવ્યા હતા. કારમાંથી બન્ને ધોકો લઈને જ ઉતર્યા હતા અને તે કશું સમજે તે પહેલાં જ તેના પર હથિયારોથી તૂટી પડ્યા હતા. હોસ્પિટલ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મયુરસિંહના બન્ને પગ ભાંગી ગયા હોવાથી તાત્કાલિક તેને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો. સાથે સાથે મયુરસિંહ રાણાના સમર્થકો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલે પહોંચી ગયા હોવાથી સ્થિતિ બગડે તેવી શક્યતા જણાતાં વધુ સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હવે દેવાયત ખવડ અને તેની સાથે રહેલા એક શખ્સે ભરબપોરે મયુરસિંહ રાણા ઉપર હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ શરૂ કરી આરોપીઓની ધરપકડ કરવા માટે તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલે દોડી ગયા હતા.
મયુરસિંહ રાણાએ જાન પર જોખમ હોવાની ફરિયાદ કરી હતી, પોલીસે કોઈ જ પગલાં ન લીધા!
કુખ્યાત લોકસાહિત્યકાર દેવાયત ખવડ વિરુદ્ધ ગાંધીગ્રામ – યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ થઈ હતી. કાલાવાડ રોડ પર આવેલી વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા અને ક્ધસ્ટ્રક્શનનું કામ કરતા મયુરસિંહ સંપતસિંહ રાણાએ આ ફરિયાદ નોંધાવી હતી. પોલીસને આપેલી અરજી મુજબ તા. 23-9-2021ના રોજ મયુરસિંહ રાણા તેમના કૌટુંબિક મામાને ત્યાં બેસવા ગયા હતા. જે યુનિવર્સિટી રોડ પર આવેલા રવિરત્ન પાર્કમાં દેવાયત ખવડના ઘરની બાજુમાં રહે છે. ત્યારે દેવાયત ખવડે અમારા કૌટુંબિક મામાના ઘર સામે ગાડી પાર્ક કરી દીધી જે અમને નડતરરૂપ થતી હચતી. ત્યારે અમે દેવાયત ખવડને ત્યાંથી ગાડી હટાવી લેવા માટે જણાવ્યું. પરંતુ દેવાયત ખવડે અમારી સાથે બોલાચાલી કરીને રિવોલ્વર કાઢી ધમકી આપી કે, હું દેવાયત ખવડ છું મને ભડાકા કરતા વાર નહીં લાગે, તારાથી થાય તે કરી લે ત્યાંથી ગાડી નહીં હટે. પોલીસ તો અમારી મુઠ્ઠીમાં છે જોકે, ત્યારપછી પોલીસે આ બાબતનું સમાધાન કરાવી દીધું હતું. પરંતુ દેવાયત ખવડ વારંવાર કૌટુંબિક મામાના ઘરે જઈને તોછડાઈ પૂર્વકનું વર્તન કરતા રહે છે. આ બાબતને એક વર્ષથી વધુનો સમયગાળો વીત્યો છતા કંઈકને કંઈ રીતે ઝઘડો કરી ઈરાદાપૂર્વક અપમાન કરે છે. તો દેવાયત ખવડ વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી આરોપી સામે ગુનો નોંધવા અરજી હતી પરંતુ સમગ્ર મામલે આ અરજીના આધારે પોલીસ દ્વારા કોઈ જ નક્કર પગલાં ભરવામાં કે કડક કાર્યવાહી કરવામાં આવી નહતી.
- Advertisement -
મયુરસિંહ રાણાને માર માર્યાનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…