11મીએ હવન કર્યા બાદ પણ ન્યાય ન મળે તો મોરબી બંધનું એલાન
મોરબીની કાળજું કંપાવનારી અને 135 નિર્દોષ વ્યક્તિઓના ભોગ લેનાર ઝૂલતાપૂલ દુર્ઘટનાની ગઈકાલે પ્રથમ માસીક પુણ્યતિથિએ પરિવારજનો ગુમાવનાર હતભાગી પરિવારો આઘાત અને આક્રોશ સાથે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા જેમાં આ પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનો દ્વારા સામાજિક અગ્રણીઓની આગેવાનીમાં મૌન રેલી કાઢી તમામ દિવગંતોને શ્રદ્ધાંજલિ આપી 11મીએ હવન કર્યા બાદ પણ ન્યાય ન મળે તો મોરબી બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને જયસુખ પટેલની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી.
- Advertisement -
મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલા વરિયાનગર, નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ આવેલ બોદ્ધનગર-ગાંધી સોસાયટીમાં રહેતા 17 જેટલા નાના બાળકોથી માંડીને યુવાનોએ પુલ દુર્ઘટના જીવ ખોયા છે ત્યારે ગઈકાલે ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ માસીક પુણ્યતિથિએ સામાજિક કાર્યકરોની આગેવાનીમાં 17 મૃતક પરિવારો સહિતના લોકો સાથે મૌન રેલી કાઢીને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તે દરમિયાન એક મહિલાએ ચોધાર આંસુએ રડતા રડતા કહ્યું હતું કે, હું વિધવા છું. મારા કમાઉ દીકરા મેં આ ઘટનામાં ખોયા છે. હવે મારો આધાર કોણ તેવી વેદના વ્યક્ત કરી ફક્ત ન્યાય જ જોઈએ તેવી માંગ કરી હતી.