રાજકોટનાં પોશ એરિયામાં વધુ એક લૂંટનો સનસનીખેજ બનાવ
સિંધી સમાજના અગ્રણીની પુત્રવધૂ પર હુમલો અને લૂંટની ઘટના બનતાં ડોગ સ્કવોડ સહિતનાં પોલીસ કાફલો ઘટના સ્થળે: લૂંટારુને શોધવા તપાસનો ધમધમાટ
- Advertisement -
તાન્યાબેન બાલચંદાણીને હથોડી ઝીંકતા બેભાન થયા અને લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર
ખાસ-ખબર સંવાદદાતા
નિર્મલા રોડ પર આવેલી પારસ સોસાયટી સ્થિત પારીજાત બંગલામાં બપોરના સમયે લૂંટારુ ટોળકીએ ત્રાટકી મહિલાને માથામાં હથોડી મારી ઘરેણાંની લૂંટ કરી નાસી છુટતાં ચકચાર મચી જવા પામી છે. ઈજાગ્રસ્ત મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. બનાવના પગલે ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, સ્થાનિક પોલીસની ટીમે દોડી જઈ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વિસ્તારમાં ધોળા દિવસે લૂંટને અંજામ આપનાર લૂંટારુની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સિંધી સમાજના અગ્રણી શ્રીચંદ બાલચંદાણીના પુત્રવધૂ તાન્યાબેન બાલચંદાણી આજે બપોરના સમયે પોતાના પુત્રને ખાનગી સ્કૂલમાં મૂકવા ગયા હતા તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ તેમની રેકી કરી સતત પીછો કરતો હતો.
- Advertisement -
તાન્યાબેન પારસ સોસાયટી સ્થિત પારીજાત બંગલામાં પ્રવેશ્યાની સાથે જ મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તેની બેશુદ્ધિનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. દિનદહાડે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વિસ્તારમાં લૂંટની ઘટના બનતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જ્યારે ઈજાગ્રસ્ત તાન્યાબેન બાલચંદાણીને સારવાર અર્થે સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની એક ટીમ ઈજાગ્રસ્ત મહિલાની ફરિયાદ નોંધવા દોડી ગઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે પોલીસની વિવિધ ટીમે સીસીટીવી ફૂટેજના આધારે ધોળા દિવસે લૂંટને અંજામ આપનાર લૂંટારુની શોધખોળ હાથ ધરી છે.