ખંઢેર હાલતમાં રહેલી શાળાના પ્રશ્ને ભાજપના ઉમેદવારને ગ્રામજનોએ ગામમાં પ્રવેશવા ન દીધા !
ગામલોકોએ હોબાળો કરતા કાંતિ અમૃતિયા અને તેની ટીમ પ્રચાર વગર પાછી ફરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ તમામ રાજકીય પક્ષોએ બેઠકો કબજે કરવા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ઉમેદવારો મતદારોને રીઝવવા પુરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે મોરબી માળીયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને માળીયા પંથકમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો જેમાં માળીયા તાલુકાના નાની બરાર ગામે પ્રચાર માટે ગયેલા કાંતિલાલ અમૃતિયાને ગ્રામજનોએ ખંઢેર હાલતમાં રહેલી શાળા અને કેનાલના પ્રશ્નને લઈને ગામના ઝાંપેથી જ પાછા મોકલી દીધા હતા.
મોરબી માળીયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલબ અમૃતિયા ગઈકાલે તેમની ટીમ સાથે ચૂંટણી પ્રચાર અર્થે ગામડાના પ્રવાસે હતા ત્યારે માળીયા તાલુકાના નાની બરાર ગામે કાંતિલાલ અને તેની ટીમ ગામના ઝાંપે પહોંચતા જ ગામની વર્ષોથી ખંઢેર હાલતમાં રહેલી શાળા અને કેનાલના પ્રશ્ને ગ્રામજનોએ કાંતિલાલનો ઉધડો લઈને હોબાળો મચાવી દીધો હતો અને ગામમાં પ્રવેશવાની સખ્ત મનાઈ કરી દીધી હતી જેથી ગામલોકોના આક્રોશને કારણે કાંતિ અમૃતિયા અને તેમની ટીમ પ્રચાર વગર જ ગામના ઝાંપેથી પરત ફરી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા આઠેક વર્ષોથી નાની બરાર ગામની પ્રાથમિક શાળા ભાડાના મકાનમાં ચાલી રહી છે અને એ પણ ખંઢેર હાલતમાં છે ત્યારે ગ્રામજનોની અનેક રજૂઆતો બાદ પણ બાળકો પર તોળાતા ખતરાનો યોગ્ય ઉકેલ નહીં આવતા ગ્રામજનોની ધીરજ ખૂટી હતી અને પ્રચાર કરવા ગયેલા કાંતિ અમૃતિયાને ઝાંપેથી જ પાછા ધકેલી મૂક્યા હતા.
- Advertisement -
કાંતિલાલ અમૃતિયાને ‘ઓવર કોન્ફિડન્સ’ નડી જશે?
મોરબી માળીયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને ભાજપે સાતમી વખત ટીકીટ આપી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં હારેલા કાંતિ અમૃતિયાને આ વખતે તેમના વધુ પડતાં આત્મવિશ્વાસને કારણે પસ્તાળ પડે તો નવાઈ નહીં કારણ કે આ વખતે કાંતિલાલને આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ નહીં પરંતુ ઘરના ઘાતકી જ નડી જાય તેવું લાગી રહ્યું છે તેમજ કોંગ્રેસ કે આપ નહીં પરંતુ હાલમાં સમર્થકો તરીકે સાથે રહેતા અમુક લોકો જ કાંતિલાલની પથારી ફેરવી નાખશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.