મોરબી ઝૂલતા પુલ હોનારતના મુખ્ય જવાબદાર અને દોષિત પોલીસ પકડથી જોજનો દૂર જતા રહ્યા!
ઓરેવાનાં માલિક સહપરિવાર મોરબીથી હરિદ્વાર અને હરિદ્વારથી દેશ છોડી રફુચક્કર થઈ ગયાની ખબર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીનો સવાસો વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના વખતે 400થી 500 જેટલા લોકો પુલ પર હતા, જેમાંથી 136 લોકો મૃત્યુ પામ્યા હોવાનો સત્તાવાર આંકડો બહાર આવ્યો છે. આશરે 200 જેટલાં લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટનાના મુખ્ય જવાબદાર અને દોષિત ગણાતા ઓરેવા કંપનીના જયસુખ પટેલ હરિદ્વાર ભાગી ગયાના સમાચાર હતા ત્યારે હવે તેઓ દેશ છોડી વિદેશ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોરબી ઝૂલતા પુલ હોનારત બાદ જયસુખ પટેલ મોરબીથી હરિદ્વાર અને હવે હરિદ્વારથી સીધા વિદેશ ફરાર થઈ ગયા હોવાનું જણાય રહ્યું છે. જયસુખ પટેલના ઘણાં સગા-સંબંધીઓ વિદેશમાં છે ઉપરાંત જયસુખ પટેલની વિદેશમાં ઘણી સંપત્તિ પણ છે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના ઘટ્યા બાદ પોલીસ પૂછપરછ અને કાયદાના સકંજામાંથી છટકવા માટે જયસુખ પટેલ સપરિવાર દેશ છોડીને ભાગી ગયા હોવાની વાતો વહેતી થઈ છે.
કિર્તી આઝાદની ટ્વિટ : મોરબી દુર્ઘટનાનો મુખ્ય આરોપી ભારત છોડી ભાગ્યો
ગતરોજ ક્રિકેટર કિર્તી આઝાદ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે કે, મોરબી બ્રિજ કાંડનો મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલ ભારત છોડી ભાગી ગયો છે. કિર્તી આઝાદની આ ટ્વિટ પર ઘણા લોકોએ જયસુખ પટેલ પર ફિટકાર વરસાવી છે અને ભાજપ દ્વારા જ તેમને વિદેશ ભગાડી મૂક્યા હોવાનો લોકોનો સૂર છે. કિર્તી આઝાદની આ ટ્વિટ બાદ જયસુખ પટેલ મામલે રાજકારણ ગરમાયું છે.
- Advertisement -
— Kirti Azad (@KirtiAzaad) November 9, 2022
જયસુખ પટેલ ચીન અથવા દુબઈમાં હોવાની શક્યતા
ખાસ-ખબરને મળતી વિગત મુજબ જયસુખ પટેલ ચીન અથવા દુબઈમાં હોવાની પૂરેપૂરી શકયતા છે. જયસુખ પટેલને ચીન પ્રત્યે ખાસ લગાવ છે. ચીનમાં જયસુખની કંપની ઓરેવાનાં પ્લાન્ટ આવેલાં છે અને તેમણે ચીનમાં કરોડો રૂપિયાનું રોકાણ પણ કર્યું હોય તે ચીનમાં હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. ઉપરાંત દુબઈમાં પણ તેના ઘણા સારા સંપર્કો છે. વળી, ચીન અને દુબઈના કાયદા તથા શરણાગતિની પ્રક્રિયા આસાન છે. આ તમામ બાબતને ધ્યાનમાં લેતા જયસુખ પટેલ ચીન અથવા દુબઈમાં હોવાની પૂરેપૂરી શક્યતા છે.