સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને મોરબી SOG ટીમની કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં વાંકાનેરને નશીલા પદાર્થોનું હબ કહીએ તો નવાઈ નહીં કારણ કે અહીંથી અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે ત્યારે સ્થાનિક પોલીસને સૂતી રાખી મોરબી એસઓજી ટીમે ખાનગી બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઠીકરીયાળા ગામના પાટીયા નજીકથી મૂળ પશ્ચિમ બંગાળની વતની અને હાલ ચોટીલા નજીક રહેતી એક મહિલાને 3 કિલો 500 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
આગામી વિધાનસભાની ચૂંટણી મોરબી જીલ્લામાં શાંતિપૂર્ણ રીતે થાય અને નાર્કોટિક્સ પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા મોરબી એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પીએસઆઈ એમ. એસ. અંસારીને બાતમી મળી હતી કે, એક મહિલા ગુલાબી કલરના કપડાં પહેરી માથે લાલ ચુંદડી ઓઢીને રાજકોટ અમદાવાદ હાઈવે પર વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ઠીકરીયાળા ગામના પાટીયા નજીક ઉભી છે અને તેની પાસેની થેલીમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો છે જે ચોક્કસ બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે વોચ ગોઠવીને મૂળ પશ્ચિમ બંગાળની વતની અને હાલ ચોટીલા વૃંદાવન સોસાયટીની બાજુમાં રહેતી કરીમા સાગરભાઈ નાઘોણા (ઉ.વ. 25) નામની મહિલાને 3 કિલો 500 ગ્રામ ગાંજાના જથ્થા (કિં. રૂ. 35,000) સાથે ઝડપી પાડી હતી અને પોલીસે ગાંજા સહિત એક મોબાઈલ મળી કુલ રૂ. 40,000 નો મુદ્દામાલ કબ્જે કરીને આરોપી મહિલા સામે વાંકાનેર તાલુકા પોલીસમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.