માછીમારોની દિવાળી સુધરી પડતર પ્રશ્નો ઉકેલાયા
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ સહિત ગુજરાત રાજ્યના 1600 કિમી દરિયાકાંઠે વસતા માછીમારોના કેટલાક પ્રશ્નોનો આખરે અંત આવતા માછીમારોની દિવાળી સુધરી છે.આ અંગે અખિલ ભારતીય ફિશરમેન એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલએ જણાવ્યું હતું કે, માછીમારોના પડતર પ્રશ્નો અંગે અવાર નવાર મુખ્યમંત્રી ,મત્સ્યઉદ્યોગ મંત્રી તેમજ સંબંધિત ખાતાના ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરી હતી.જેના પગલે વેરાવળ બંદરે પાયાની સુવિધાઓ અપગ્રેડ કરવા માટેની લાંબા સમયથી માંગણી ચાલી રહી હતી, જે અન્વયે ફેસ – 2 ની કામગીરીનું તેમજ સુત્રાપાડા અને માઢવાળના નવા ફિશરીઝ હરબરનું ખાતમુહૂર્ત થતાં માછીમારોને રાહત મળી છે.ઓબીએમ એન્જિન ખરીદી પરની નીકળતો આશરે 12 કરોડ જેટલી સબસિડી, કેરોસીનની અવેજીમાં વપરાતા પેટ્રોલને મંજૂરી તથા બંને પર સમાન ધોરણે સબસિડી આપવા સહિતના પ્રશ્નો સરકારમાં હતા, તેનો પણ આખરે અંત આવ્યો હતો, તેમજ લીટર દીઠ જે સહાય રૂપિયા 25 હતી તેને ડબલ કરીને સરકાર દ્વારા રૂપિયા 50 કરવામાં આવી છે.ડીઝલના ક્વોટા માં પણ વાર્ષિક 10 હજાર લિટર જેટલો વધારો કરવામાં આવ્યો છે.ઉપરાંત જીએફસિસીએના પંપોના કમિશનમાં 50 ટકા ઘટાડો કરવા સહિતના પ્રશ્નોનો આખરે અંત આવતા માછીમારોને રાહત મળી છે.



