આવતીકાલથી કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ 4 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. જેમાં તેઓ અધિકારીઓ પાસેથી ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગેની વિગતો મેળવશે.
ગઇકાલે ઇલેક્શન કમિશને (ચૂંટણી પંચ) પ્રેસ કોન્ફરન્સ યોજી હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હજુ સુધી જાહેર નથી કરી. કારણ કે તેની પાછળના અનેક સંભવિત કારણો જવાબદાર છે. ત્યારે ચૂંટણીની તારીખો દિવાળી બાદ જાહેર થાય તેવી શક્યતા રહેલી છે. એવામાં કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ આવતીકાલથી 4 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે.
- Advertisement -
રાજકોટ, વડોદરા, સુરત અને જૂનાગઢની લેશે મુલાકાત
કેન્દ્રીય ડેપ્યુટી ઈલેક્શન કમિશનર પણ ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ રાજકોટ, વડોદરા, સુરત અને જૂનાગઢની મુલાકાત લેશે. આ સાથે ડે. ઈલેક્શન કમિશનર ચૂંટણીલક્ષી મહત્વની બેઠકો પણ યોજશે. જેમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે અધિકારીઓ પાસેથી તેઓ જરૂરી વિગતો મેળવશે.
ગુજરાતની તારીખો જાહેર ન કરવા પાછળ ચૂંટણી કમિશ્નરે આપ્યું મુખ્ય આ કારણ
- Advertisement -
ગુજરાત પહેલા હિમાચલની ચૂંટણીઓ જાહેર કરવા સંદર્ભે કમિશને કુદરતી પરિબળોને ધ્યાનમાં રાખીને વિધાનસભાની ચૂંટણી વહેલાં યોજવાનો તર્ક રજૂ કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, ગુજરાત અને હિમાચલની ચૂંટણી એક સાથે કેમ ન યોજાઇ શકે કારણ કે શિયાળાની ઋતુ અને આબોહવાને કારણે હિમાચલની ચૂંટણી સમયસર કરવી જરૂરી છે. સામે પક્ષે તહેવારોની સીઝનને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે અને મહત્વનું છે કે હિમાચલ વિધાનસભા અને ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થવા વચ્ચે 40 દિવસનો તફાવત છે એટલે કે બંને ચૂંટણી વચ્ચે અવકાશ રાખવા અને તૈયારીઓ કરવા પૂરતો સમય છે તેથી ગુજરાતની ચૂંટણી પાછળથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત અને હિમાચલ પ્રદેશની બોર્ડરને સીલ કરી દેવાશે
આ સાથે ચૂંટણી પંચે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી વ્યવસ્થાની વાત પણ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ઓકટોબર મહિનામાં લોકતંત્રનું પર્વ પણ આવી રહ્યું છે. ચૂંટણી જાહેરાત થતાં જ ગુજરાત અને હિમાચલ પ્રદેશની બોર્ડરને સીલ કરી દેવામાં આવશે તથા કેશ-ડ્રગ્સ જેવી હેરફેર પર કડક વોચ રાખવામાં આવશે. એરપોર્ટ પર ખાસ નજર રાખવામાં આવશે, તમામ એજન્સીઓને ઍલર્ટ કરી દેવામાં આવ્યા છે કે કેશની સાથે સાથે ગુડ્સ પર પણ નજર રાખવામાં આવે તેવી સૂચનઆ આપી દીધી હોવાની પણ માહિતી આપી હતી. કોરોનાને ધ્યાને લેતા ચૂંટણીમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોનાને ધ્યાને રાખીને આપવામાં આવેલ તમામ નિર્દેશોનું પાલન કરવામાં આવશે.
પિક અને ડ્રોપની સુવિધા હશે
ચીફ ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયા રાજીવ કુમારે કહ્યું હતું કે લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે એટલા માટે પિક અને ડ્રોપની સુવિધા પણ આપવામાં આવશે. જો કે આ સુવિધા વિશેષ સ્થિતિમાં જ આપવામાં આવશે.
ઘરેથી પણ મતદાનની સુવિધા અપાશે
80 વર્ષથી વધુની ઉમરના લોકો, દિવ્યાંગ અને કોરોના સંક્રમિત લોકો જો મત આપવા માંગે છે અને બુથ સુધી નથી આવી શકે તેમ તો તેમણે માટે ચૂંટણી આયોગે આગવી વ્યવસ્થા કરી છે. અને આવા મતદાતાઓના ઘરે જઈને તેમણે મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે.