ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં ગઈકાલે રાત્રે બે જગ્યાએ ડેમ તૂટતાં અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા હતા. રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. જેના કારણે સિદ્ધાર્થનગરના ઈટાવા તહસીલ વિસ્તારમાં રાપ્તી નદી પર બનેલો બંધ બે જગ્યાએ તૂટી ગયો છે. જેના કારણે 150થી વધુ ગામો પૂરના પાણીની લપેટમાં આવી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સોનૌલી નાંકર પાસે અશોગવા-મદરવા ડેમ તૂટી ગયો છે. રાત્રે લગભગ 2 વાગ્યે, બંસી તાલુકાના ધાડિયા નજીક પણ બંધ તૂટી ગયો. ડેમ તૂટવાને કારણે સેંકડો ગામ પાણીમાં ડૂબી ગયા છે. લોકો પોતાના ઘરનો સામાન લઈને હિજરત કરી રહ્યા છે.
ગ્રામજનોમાં ગભરાટનો માહોલ છે. હાલમાં જિલ્લામાં રાપ્તી બુધી રાપ્તી નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. મોડી રાત્રે નદીની આસપાસના ડઝનેક ગામોનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
- Advertisement -
પ્રશાસન પર મદદ ન કરવાનો આરોપ
રાપ્તી નદીના જળના સ્તરમાં વધારો થતા લોકોના હોશ ઉડી રહ્યા છે. ઘણા ગામડાઓનો માર્ગોથી સંપર્ક તૂટી ગયો છે. હવે લોકો પાસે એક માત્ર આધાર બચ્યો છે તે છે બોટ. લોકોના જણાવ્યા મુજબ તાજેતરમાં ડેમનું કામ કરવામાં આવ્યું હતું જેમાં ભારે ગેરરીતિ આચરવામાં આવી હતી, જેના કારણે ડેમ તૂટી ગયો છે. લોકોએ પ્રશાસન પર મદદ ન કરવાનો આરોપ લગાવ્યો છે.