મોરબીની શાન સમો ઝૂલતો પુલ દિવાળી બાદ શરૂ થાય તેવા ઉજળા સંકેતો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીની ઐતિહાસિક ધરોહર અને સૌરાષ્ટ્રની શાન સમા ઝૂલતા પુલની હાલ કાયાપલટની કામગીરી ચાલી રહી છે. છેલ્લા છ મહિનાથી ચાલતી આ કામગીરી આજ દિન સુધીમાં 90 ટકા કરતા પણ વધુ પૂર્ણ થઈ જતા દિવાળી બાદ આખો ઝૂલતો પુલ નવા રૂપરંગ સાથે મોરબીવાસીઓને મળે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.
- Advertisement -
મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રની શાન સમા ઝૂલતા પુલનું મેનન્ટન્સ અને સંચાલન 10 વર્ષ પહેલાં અજંતા ગ્રુપને સોંપવામાં આવ્યું હતું જે બાદ તેમણે મેન્ટેન્સ કરી તેનું સંચાલન કર્યું હતું જે બાદ તેનો કોન્ટ્રાકટ પૂર્ણ થતાં અજંતા ગ્રુપ દ્વારા આ બ્રિજ ફરી પાલિકાને પરત આપવા લેખિત જાણ કરી હતી જોકે પાલિકાના અધિકારી અને પદાધિકારીઓએ બ્રિજનુ સંચાલન સ્વીકારવાની મનાઈ કરી દીધી હતી. ઝૂલતા પુલની હાલત અત્યંત ખરાબ હોય અને કોઈ પણ સમયે દુર્ઘટના થવાની ભીતિ સેવાતા પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આવન જાવન બંધ કરી દેવામાં આવી હતી.
મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રની શાન સમા આ મોરબીની મચ્છુ નદી પરના ઝૂલતા પુલને લોકો નિહાળવા અને તેમાં ચાલવા ઈચ્છતા હતા પરંતુ જર્જરિત બ્રિજને કારણે લોકોની આશા અધૂરી રહેતી હતી. મોરબી શહેરની ધરોહર આ રીતે નાશ થતા જોઈ અજંતા ઓરેવા ગ્રુપ દ્વારા ફરી એકવાર ઝૂલતા પુલનું રીનોવેશન કરવાની જવાબદારી ઉઠાવવામાં આવી હતી અને છેલ્લા છ મહિનાથી ઝૂલતા પૂલની સંપૂર્ણપણે રીનોવેશન કામગીરી શરૂ કરવામાં આવી હતી. આધુનિક સાધનો અને ઈજનેર તેમજ ટેક્નિકલ ટીમ થકી આખા ઝૂલતા પુલને હાલ નવી સકલ સૂરત આપવા આખી ટીમ મથી રહી છે. હાલ આ પુલની 90 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે અને ટીમ દ્વારા આગામી દિવસોમાં કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે અને દિવાળી બાદ ફરી એકવાર નવા રંગ રૂપમાં મોરબીને ઝૂલતા પુલની ભેટ મળે તેવી સંભાવના સેવાઈ રહી છે.