ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મહાનગરોમાં આમ આદમી પાર્ટી વિરોધી પોસ્ટરો લાગતા માહોલ ગરમાયો છે. શહેરી વિસ્તારોમાં ઠેર-ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના નગારા વાગતાની સાથે જ રાજકીય પક્ષો મહેનત અને મંથનમાં લાગી ગયા છે. દરેક પક્ષો સક્ષમ ઉમેદવારોની આકરણી કરવામાં જોતરાયા છે. મતદારોને રિઝવી બુલંદ જીત હાંસલ કરવા રાજકીય પક્ષો એકપછી એક દાવ રમી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી અગાઉ પોસ્ટર વોરથી માહોલ ગરમાયો છે. ગુજરાતના મહાનગરોમાં આમ આદમી પાર્ટી વિરોધી પોસ્ટરો લાગ્યા છે. હિન્દુ હિતરક્ષક સમિતિએ અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત અને વડોદરામાં AAP વિરોધી પોસ્ટરો લગાવ્યા છે.
- Advertisement -
રાજેન્દ્ર પાલ ગૌતમનો વીડિયો વાયરલ થયા બાદ વિરોધ
હિન્દુ દેવી-દેવતાઓને ન માનવાની શપથ લેવડાવનારા દિલ્લી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો વીડિયો વાયરલ થયા બાદ તેમનો ચારેયકોર વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત ભાજપે પણ દિલ્હી રાજેન્દ્ર પાલના વીડિયો મુદ્દે વિરોધ દર્શાવ્યો છે. આ મામલે ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટીના નેતા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેજરીવાલની નાટક મંડળીનો ચહેરો ખુલ્લો પડ્યો છે, આમ આદમી પાર્ટીના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે.
ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ કરી માફીની માંગ
ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રી પાસે માફીની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હિન્દુઓની લાગણી દુભાણી છે. કેજરીવાલ અને તેમના મંત્રીએ માફી મંગાવી જોઈએ. આમ તો બધું જ કેજરીવાલની મૂક સંમતિ જ થઈ રહ્યું છે.
- Advertisement -
ગુજરાતના મહાનગરોમાં લાગ્યા પોસ્ટરો
તો હવે ગુજરાતના મહાનગરોમાં આમ આદમી પાર્ટી વિરોધી પોસ્ટરો લાગ્યા છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ પોસ્ટરવોર શરૂ થતા માહોલ ગરમાયો છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.
ઠેર-ઠેર વિવિધ લખાણોવાળા પોસ્ટરો લાગ્યા
શહેરી વિસ્તારમાં લગાવવામાં આવેલા પોસ્ટર વિશે વાત કરીએ તો જેમાં લખેલું છે કે, ‘હું બ્રહ્મા, વિષ્ણ, મહેશ, રામ, કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં.’, ‘હું શ્રાદ્ધ, પિંડદાન કે કોઈ હિન્દુ ક્રિયાઓ કરીશ નહીં.’, ‘હું હિન્દુ ધર્મને પાગલપન માનું છું.’ સાથે દરેક પોસ્ટરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ફોટો જોવા મળી રહ્યો છે.
રાજેન્દ્ર પાલ ગૌતમની હાજરીમાં લેવડાવવામાં આવી શપથ
મહત્વનું છે કે, ગત 5 ઓક્ટોબરના રોજ દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમ બૌદ્ધ ધર્મના એક કાર્યક્રમમાં ગયા હતાં. આ કાર્યક્રમનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં રાજેન્દ્ર પાલ ગૌતમની ઉપસ્થિતિમાં લોકોને શપથ લેવડાવામાં આવી હતી કે તેઓ હિન્દુ દેવી-દેવતાઓની પૂજા નહીં કરે અને ઈશ્વરને પણ નહીં માને.