ચૂંટણી આચારસંહિતા લાગુ થાય તે પહેલા કામગીરી બતાવવા તંત્ર ઉંધા માથે
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી હળવદને જોડતો માર્ગ કે જે લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે અને આ રોડ પર વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધવાના કારણે અકસ્માતની સમસ્યા કાયમી બની ગઈ છે. આ રોડ ફોરલેન કરવાની મોરબી, હળવદ અને રોડ પરના ગ્રામ્ય વિસ્તારોના લોકોની વર્ષો જૂની માંગણી હતી જે રાજય સરકારે મંજૂર કરી છે. રાજયમંત્રી મેરજાએ આ બાબતે માર્ગ મકાન વિભાગ મંત્રીને કરેલી રજૂઆત બાદ સરકાર દ્વારા રોડ માટે રૂ. 197 કરોડ ફાળવ્યા હતા. આ રોડની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે સાથે હવે અંતિમ મંજૂરી પણ મળી જતા હવે તંત્ર દ્વારા કામનો વર્ક ઓર્ડર અપાઈ જતા હવે હળવદ-મોરબી રોડને ફોર લેન કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે જેના ભાગરૂપે માર્ગ મકાન વિભાગની ટીમે આંદરણા પાસે તેમજ હળવદથી માનસરને જોડતા રોડને જેસીબીની મદદથી પહોળા કરવા તેમજ સમતળ કરવાની કામગીરીમાં કરવામાં આવી છે.
- Advertisement -
આગામી દિવસમાં ચુંટણી જાહેર થાય અને આ મંજૂર થયેલો રોડ શરુ ન થાય તો નેતાઓને પ્રજાના રોષનું ભોગ બનવું પડે અથવા ચુંટણીના પરિણામમાં પણ તેની ગંભીર અસર જોવા મળી શકે છે ત્યારે હવે સત્તા પક્ષ દ્વારા વહેલી તકે રોડની કામગીરી શરુ કરવા તેમજ જે કામ પૂર્ણ થયા છે તે વહેલી તકે લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી હળવદ રોડ પણ આચારસંહિતા લાગૂ થાય તે પહેલા શરુ કરવા તંત્ર ધંધે લાગ્યું છે. મોરબી માર્ગ મકાન વિભાગની ટીમ દ્વારા મોરબી હળવદ રોડની બંને તરફની જમીન ખુલ્લી કરવા તેમજ સમતળ કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.