રખડતા ઢોરની સમસ્યાને નિયંત્રણમાં લેવા મનપાને હાઇકોર્ટની ફરી ટકોર
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ પણ રાજ્યમાં હજુ પણ રખડતા ઢોરના કારણે અકસ્માતો સર્જાયાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજ રોજ હાઇકોર્ટમાં રસ્તા પર રખડતા ઢોર મુદ્દે સુનાવણી થશે. જેમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલી કાર્યવાહીનો જવાબ રજૂ કરાયો હતો. નોંધનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે વારંવાર તંત્રને રસ્તા પર રખડતા પશુને લઇને કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. છતાં તંત્ર દ્વારા હજુ પણ રખડતા ઢોરને લઇને યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી. આથી, આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે, રખડતા ઢોરની સમસ્યાને નિયંત્રણમાં લેવા મનપાએ 24 કલાક રખડતા ઢોરને પકડવા જોઈએ. રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટએ મનપાને આદેશ કર્યો હતો કે, 17 ઓક્ટોબર સુધી સતત 24 કલાક સુધી ઢોર પકડતા રહો.
- Advertisement -
સપ્ટેમ્બરમાં રાજ્યભરમાં રખડતાં ઢોરનાં કારણે 471 લોકોના અકસ્માત
રાજ્યમાં વધી રહેલાં રખડતાં ઢોરના ત્રાસને લઇને લોકો-વાહનચાલકો તોબા પોકારી ગયા છે. ત્યારે ગયા સપ્ટેમ્બર માસમાં જ રાજ્યભરમાં રખડતા ઢોરના કારણે 471 લોકોના અકસ્માત થયાનું બહાર આવ્યું છે.
રોડ, રનવે અને રેલ, હવે મેટ્રો બાકી!
અમદાવાદનાં વટવા પાસે વંદે ભારત એક્સપ્રેસ સાથે ભેંસનો અકસ્માત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતનું કારણ રખડતાં ઢોર છે. ગાંધીનગરથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને સવારે સવા અગિયારની આસપાસ અમદાવાદના વટવામાં અકસ્માત નડ્યો હતો, જેમાં ટ્રેનના આગળના હિસ્સાને નુકસાન થયું હતું. જોકે આ અકસ્માતમાં જાનહાનિના કોઈ સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બર જ આ ટ્રેનને લીલી ઝંડી આપીને વડાપ્રધાન મોદીએ અમદાવાદ સુધી સવારી કરી હતી. પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્થિત પીઆરઓ જીતેન્દ્ર જયંતે મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે સવારે 11-15ના વંદેભારતને અકસ્માત નડ્યો હતો. ભેંસો ટ્રેક પર આવી ગઈ હતી. ભેંસ આવી ગઈ હોવાથી ટ્રેન રોકતાં રોકતાં તેને અથડાવાની જ હતી, કેમ કે ગાડી સ્પીડમાં હતી. એક સામટી બ્રેક લગાવી શકાય તેમ ન હતી. કેમ કે, એકી સાથે બ્રેક લગાવે તો ગાડી નીચે આવી જાય. યાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખીને બ્રેક લગાવાઈ હતી, પંરતુ ત્યાં સુધી ભેંસો ટ્રેન સાથે અથડાઈ ગઈ હતી. ટ્રેન સમયસર રવાના થઈ છે, પરંતુ આગળનો થોડો ભાગ ડેમેજ થયો છે. તેને રિપેર કરીને ટ્રેનને ગાંધીનગર રવાના કરી દેવાઈ હતી.