‘નવશક્તિભિ: સંયુક્ત નવરાત્ર તડુચ્યતે’ અર્થાત દેવીની નવધા શક્તિ જે સમયે મહાશક્તિનું સ્વરૂપ ધારણ કરે છે તે સમયને નવરાત્રી કહેવામાં આવે છે. નવરાત્રી એટલે મા શક્તિની દૈવીય ઉપાસના અને અખૂટ આરાધનાના દિવસો. અસત્ય મૂલ્યો પર વિજયી થયાની ગાથાની રંગીન રાત્રીઓ. પ્રત્યેક ગુજરાતી જ્યારે સોળે કળાએ ખીલી માતાજીની ભક્તિ અને ગરબાના શબ્દે-શબ્દે તાનમાં આવી થનગનાટ કરવા ઈચ્છે છે, નાનકાઓથી લઈ મોટેરાઓ તનને લચક-મચક આપી મનથી ઝૂમવા માગે છે, આવડે એવો રાસ રમે છે, તાલીઓના તાલે ઉછળતા-કૂદતા હિલોડા લે છે અને ગરબાની ગુંજે નૃત્યની રમઝટ બોલાવે છે એ રઢિયાળી રાતલડીઓ આવી ચૂકી છે. ગરબે રમવાના થયા ઓરતા રે.. આવ્યા માના નોરતા રે.. માના નોરતા રે..
મા અંબા જગદંબાનો આસુરી વૃત્તિ પર વિજય એટલે નવરાત્રી, જેનું ગુજરાતી સંસ્કૃતિમાં ખાસ મહામ્ય છે. યા દેવી સર્વભૂતેષું શક્તિરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: દૈવી શક્તિની પવિત્ર સેવાભક્તિ કરવાના દિવસો, મા સમક્ષ નિવેદ ધરવાની અષ્ઠમી એટલે નવરાત્રી. માતાજીની નવરાત્રી વર્ષમાં મુખ્ય ચાર વાર આવે છે – વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી (ગુપ્ત નવરાત્રી), શરદ નવરાત્રી અને પુષ્ય/માઘ નવરાત્રી. જેમાં શરદ નવરાત્રી એટલે કે મહાનવરાત્રી માટે પૂરી દુનિયામાં ગુજરાતીઓ જેટલું બીજું કોઈ પ્રખ્યાત નહીં હોય. ગુજરાતીઓનો એક પર્યાય એટલે ગરબા અને એટલે જ નવ રાતોનો ઉલ્લાસ અને ઉત્સાહથી ભરપૂર મહોત્સવ નવરાત્રી આપણા ગુજરાતની અનેરી અસ્મિતાની ઓળખાણ છે. કોઈપણ શુભ પ્રસંગ હોય કે વાર-તહેવાર હોય ત્યારે ગરબા તો અચૂક હોવાના જ. ચપટી ભરી ચોખાને ઘીનો તે દીવડો.. રે ઘીનો તે દીવડો..
- Advertisement -
નવરાત્રીની કથા અનુસાર માતાજીએ મહિષાસુરને માર્યો. આ મહિષાસસુર અંગે આપણી થોડીક ખોટી માન્યતા છે કે અસુર એટલે બિહામણો રાક્ષસ જેને મોટા દાંત, નખ અને લાંબા વાળ છે. તે ભયંકર ક્રુર છે પરંતુ હકીકતમાં એવું નથી. અસુર એટલે અસુષુ રમન્તે ઈતિ અસુરા: મતલબ કે પ્રાણોમાં રમમાણ થનારો, ભોગવિલાસમાં રચ્યો-પચ્યો રહેનારો. તેમજ મહિષ એટલે પાડો. અને એ અર્થ મુજબ પાડાની વૃત્તિ રાખનાર અસુર તે મહિષાસુર. અનાદિથી આધુનિક કાળ સુધી દૈવી વિચારો અને ક્રિયાઓ પર આસુરી વૃત્તિ હુમલો કરતી આવી છે. એ સમયે આપણી આસપાસ પણ ઘણા અસુરો આમ વેશ ધારણ કરી આતંક મચાવતા જ હોય છે અથવા આપણા ખુદમાં કોઈ આસુરી વૃત્તિ જન્મી હોય તો તેમાથી મુક્ત થવાનો વિજયપર્વ એટલે મા શક્તિના નવલા નોરતા. આરાસુરમાં અંબે મા કરે રે કિલ્લોલ.. માડી અંબે મા…
આપણે બધા જાણીએ છીએ તે મુજબ નવરાત્રીની નવ રાતો દરમિયાન શક્તિના નવ સ્વરૂપોની પ્રદેશ પરંપરા આધારિત પૂજા થાય છે. – દુર્ગા, ભદ્રકાલી, અંબા કે જગદંબા વિશ્વમાતા, અન્નપૂર્ણા, સર્વમંગલા, ભૈરવી, ચંદ્રિકા કે ચંડી, લલિતા, ભવાની અને મોકામ્બિકા. કેરળમાં નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસો અષ્ઠમી, નવમી અને વિજયાદશમીની ઉજવણી સરસ્વતી પૂજા તરીકે કરવામાં આવે છે. ગરબો એ ગર્ભનું પ્રતિક છે. માટીના બનેલા ગરબાના ઘટની અંદર દીવો મૂકીને ગરબા ગવાય છે. શોર્ય, ઓજ, તેજ, પરાક્રમનો સંગમ એટલે નવરાત્રી. ગરબો આવ્યો રે રમતો રમતો.. મા નો ગરબો આવ્યો રે રમતો..અલક મલકનો હરતો ને ફરતો.. આવ્યો રે આજ મા નો ગરબો રે..
ડિસ્કોદાંડિયાના ઘોંઘાટમાં અદ્રશ્યશક્તિના સ્તુતિ-સ્તવનોની મહત્વતાને ઉજાગર કરતાં પરંપરાગત શેરી ગરબાનો લય-તાલ સમયની સાથે ખોવાતો જાય છે અને કર્કશ મોર્ડન ડિજે ગરબા સૌની પસંદ બની ખેલૈયાઓ દ્વારા ખેલાય રહ્યા છે. પહેલા કરતાં અલગ ફિવર નવરાત્રીના રાસોત્સવને રજકણની જેમ ચોટયું છે. જે ગરવી ગુજરાતની સંસ્કૃતિની ચમકને આંછી પાડતા જાય છે. યુવાનો સિવાય પરણિત જોડાઓમાં પણ રાસ રમવાનો ક્રેઝ વધ્યો છે. અને નવરાત્રી દરમિયાન સારામાં સારા ઊંચા પાર્ટીપ્લોટના રાસ રમવાના પાસ હોવા એ પેશન અને સ્ટેટસના સિમ્બોલ બન્યા છે! નવરાત્રી એટલે ઉજાગરા અને આરાધનાની કલરફૂલ નાઈટ્સ. દાંડિયા ઓલ નાઈટ્સ.. આન્ટી પુલીસ બુલા લેગી.. પંખીડા તું ઊડી જજે પાવાગઢ રે..
- Advertisement -
તારા વિના શ્યામ મને એકલડું લાગે.. ગરબે રમવા ને વહેલો આવ રે.. જેવા અર્વાચિન ગરબા હોય કે પછી વાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલાં વખાણું.. જેવા ભાતીગળ ગરબા હોય કે પછી કૃષ્ણ ભગવાન હાલ્યા, દ્વારિકાને કાઈ.. લીધો લે મણિયારાવાળો વેશ.. જેવા પારંપારિક ગરબા હોય. તેની એક ઓળખ અને અસર છે. ગરબા સાથે ડિસ્કો મિક્સ કરો એટલે પાણીમાં તેલ ઉમેર્યું હોય તેવું લાગ્યા કરે. ફ્રી સ્ટેપ ગરબા હોય શકે પરંતુ મન ફાવે તેમ ઢીંઢા ઉલાળી બળદિયાની જેમ ઉછાળા-કુદકા-ફુદેરડા મારવા એ ફ્રી સ્ટેપ ગરબાનો કોઈ પ્રકાર નથી. ભારતીય નૃત્ય ક્યારેય લય-તાલ વિનાનું હોતું નથી અને એમાં પણ આ તો ગરબા. આથી જ જો ગરબા રમતા તાલ અને લય ના જળવાય તો તમારા દેહને આ બધાથી દૂર રાખવો હિતાવક છે. તમે કિયા તે ગામના ગોરી રાજ.. અચકો મચકો…
આસો સુદની પવિત્ર અજવાળી રાત આંતરિક આવેગોનો ઊભરો ઠાલવાની હરગીઝ નથી. મર્યાદાને બાજુ પર રાખી મનસ્વી વર્તન દાખવનાર પર પરિવારથી પોલિટીશ્યનોએ લગામ લગાવી પડશે. બીજી તરફ યુવક-યુવતિ ગરબાના નામ પર જે ગુલ ખીલવે છે એની પર તંત્રએ ચાપતો બંદોબસ્ત ગોઠવવો જોઈએ જેથી ક્રાઈમને કાબુમાં રાખી શકાય. ગરબાના સ્થાને ગવાતા ફિલ્મી ગીતો સામે કોઈને વાંધો ન પડ્યો એટલે રાસનું સ્થાન ડાન્સએ લઈ લીધું. જો બેઢંગું નાચવું જ હોય તો એ માટે ક્લબ છે. અને શારીરિક મૌજ મજા માણવા માટે થર્ટી ફર્સ્ટ અને બીજા ઘણા વિદેશી દિવસો છે. નવરાત્રીના રાસ અને ગરબા તો વ્યવસ્થિત શાસ્ત્રીય નૃત્ય અને સુગમ સંગીતભર્યા નજાકતની નિશાની છે. તેમાં મોર્ડનાઈઝેશનના નામે માનો પવિત્ર તહેવાર કલંકિત ન થવો જોઈએ. હો રે.. પૂનમની પ્યારી પ્યારી રાત મારે પ્રિતમ સાથે છે મુલાકાત..
ઈનશોર્ટ તાળીની થાપ ને પગના ઠુમકે બોલિવુડ સ્ટાયલ સ્ટેપ્સની હવે બોલબાલા છે. રિધમિક ક્રાઉડ રહ્યું નથી. સાધનાના સૂર, સમર્પણનું સંગીત, તેનો લાક્ષણિક લહેકો, સાંસ્કૃતિક રંગત અને ચાર્મ તથા અદા પર આધુનિકતાની પરત ચડી છે. તનના છુદણા પર ટેંટૂ ચિતરાયા અને બેકલેસ કપડાં હવે હોલ્ટર નેક બન્યા. મોર્ડન કલ્ચરના કાના જેવા યુવકોની નજર પણ પાછી માતાજીના મહોત્સવમાં નહીં, ફેરફૂદેડી ફરતી રાધિકા સમાન દેવીઓમાં હોય છે. મુને એકલી જાણી ને કાને છેડી છે મારો મારગડો મેલી ને હાલતો થા કે કહી દઉં જશોદાના કાનમાં..
નવરાત્રીની સુકોમળતા અને તહેવારોની સંસ્કારિતા જાળવવી એ સૌ કોઈ ગુજરાતીની નૈતિક ફરજ છે. સાતમ-આઠમ બાદ ચાલતો વર્ષનો સૌથી મોટો અને લાંબો ઉત્સવ નવરાત્રી જ્યારે રૂમઝૂમ કરતી આવી છે ત્યારે નવરાતના પર્વ બાદ અસત્ય પર સત્યના બીજા એક વિજય વિજયાદસમી દશેરા અને પછી આવતા ઉત્સવોના એક ઓર ઝૂમખા દિવાળીની આપ સૌને શુભકામના. નવરાત્રી તો છેક શરદ પુનમ સુધી ચાલે. તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે.. પુનમની રાત ઊગી પુનમની રાત. પરંતુ ગરબા? જ્યાં જ્યાં વસે ગુજરાતીઆ ત્યાં ત્યાં સદાકાળ ગાંઠિયા અને ગરબા… એ હાલો હાલો પાવાગઢ જઈએ રે…