શ્રમિકો અડ્ડો જમાવી દારૂ પી જૂગાર રમતાં હોવાની ફરિયાદ ઉઠી: પોલીસ કમિશનરને રજૂઆત કરતાં લત્તાવાસીઓ
ખાસ-ખબર સંવાદદાતા
કોઠારીયા રોડ પર આવેલા વિવિધ વિસ્તારો કે જ્યાં છેલ્લાં 30 દિવસથી શ્રમિકો (મજૂર)એ પોતાનો અડ્ડો જમાવ્યો છે જેથી અહીંથી બહેન-દીકરીઓને નીકળવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. સાથે આ શ્રમિકો દ્વારા અપશબ્દો બોલવા, જૂગાર રમે છે, દારૂ પીને નશામાં ઉભા રહે છે જેથી લત્તાવાસીઓ દ્વારા રાજકોટ સી.પી.ને રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં જાહેરમાં આ શ્રમિકો પેશાબ કરવા ઉભા રહી જાય છે જેનો વીડિયો પણ છે. વધુમાં કોઠારીયા રોડ પર આવેલી દાદીબાગ પાર્ક, અમૃતધારા એપાર્ટમેન્ટ, આલીશાન એપાર્ટમેન્ટ, મધુરમ પાર્ક, ગુલાબનગર, માસ્તર સોસાયટી, રામ પાર્ક સોસાયટીમાં રોજના 10થી 15 હજાર લોકોની અવરજવર રહેતી હોય છે જેમાં મોટાભાગે ઘરની સામગ્રી લેવા જતી બહેન દીકરીઓ હોય છે.
- Advertisement -
થોડા સમય પહેલાં અમોને પ્રેસ મારફતે જાણવા મળ્યું કે શ્રમિકો (મજૂરો) મોટી સંખ્યામાં તેના સમૂહના આગેવાનો સાથે આ રોડ ઉપર કાયમી એકઠા થવા (ઉભા રહેવાનું) આવેદન આપવા પોલીસ કમિશનરની કચેરી પર દોડી ગયા હતા. જેમાં શ્રમિક (મજૂરોએ) જણાવેલુ છે કે એ લોકો છેલ્લાં 30 વર્ષથી આ વિસ્તારમાં એકઠા થાય છે પણ એ વાત તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. શ્રમિક (મજૂરો) લોકો છેલ્લાં 20થી 30 દિવસથી જ અહીં એકઠા થાય છે. તે પહેલાં શ્રમિક (મજૂર) લોકો કોઠારીયા રોડ પર આવેલા વીર ભગતસિંહજી શોપિંગ સેન્ટર પાસે એકઠા થતા હતા જે એક કોમર્શિયલ વિસ્તાર છે. આ અંગે ઘટતું સી.પી.ને રજૂઆત કરવામાં આવી છે.