- ડૉ.શરદ ઠાકર
એકવાર ભગવાન મહાદેવ સાથે મહત્ત્વની મંત્રણા કરવા માટે યમરાજ કૈલાસ પર્વત પર પધાર્યા. કમાન આકારના દરવાજામાંથી પસાર થતી વખતે યમરાજની નજર કમાન પર બેઠેલા એક કબૂતર ઉપર પડી. યમરાજ ગંભીર વિચારમાં સરી પડ્યા. પછી મર્મ ભર્યું હસીને મહાદેવને મળવા માટે ચાલ્યા ગયા. કબૂતરનાં ગભરાટનો પાર ન રહ્યો.
ત્યાં એક ગરુડરાજ આવીને દરવાજાની કમાન પર બેઠા. ગરુડે કબૂતરને એની ગભરામણનું કારણ પૂછ્યું. કબૂતરે યમરાજ હસ્યા હતા એ વાત જણાવીને પોતાની ચિંતા પ્રગટ કરી, યમરાજ એટલે મૃત્યુના દેવ. એ મને જોઇને હસ્યા એટલે મારું મૃત્યુ હવે નિશ્ચિત છે. યમરાજ મંત્રણા પૂર્ણ કરીને અહીંથી પસાર થાય એટલી જ વાર. એ અવશ્ય મારા પ્રાણ સાથે લેતા જશે. સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ આ ત્રણેય લોકમાં એમનાથી મને બચાવી શકે એવું કોઈ સ્થાન નથી.
- Advertisement -
ગરુડરાજે કહ્યું, એવું એક સ્થાન છે. જ્યાં યમરાજની સત્તા ચાલતી નથી. એ છે લોકાલોક (લોક+અલોક) પર્વત, પણ એ પર્વત અહીંથી બહુ દૂર છે. પરંતુ તું મારી પીઠ પર બેસી જા. હું તને આંખના પલકારામાં ત્યાં પહોંચાડી આપું. પછી તને મૃત્યુ નહી આવે. કબૂતર ગરુડરાજની પીઠ પર બેસી ગયું અને લોકાલોક પર્વત પર પહોંચી ગયું.
ગરુડરાજના મનમાં જીજ્ઞાસા ઉત્પન્ન થઇ કે યમરાજ હવે શું કરે છે. એ પાછા આવીને કૈલાસ પર્વતના દરવાજા પર બેસી ગયા. થોડીવાર પછી મંત્રણા પતાવીને યમરાજા પાછા ફર્યા. તેમણે ઊંચે જોયું. કબૂતરને બદલે ગરુડરાજને જોઇને તે પુન: હસી પડ્યા. હવે ગરુડરાજથી પૂછ્યા વિના રહેવાયું નહી, હે યમરાજ ! સત્ય જણાવો, આપ અહીંથી જતી વખતે અને આવતી વખતે બે વાર હસ્યા તેનું કારણ શું? યમરાજે કહ્યું, ગરુડરાજ ! હું મૃત્યુનો દેવ છું. જ્યારે કોઈ પણ જીવાત્માને જોઉં છું ત્યારે તેનું મૃત્યુ ક્યારે થશે તે વાંચી લઉં છું. હું આવ્યો ત્યારે મેં કબૂતરનું મૃત્યુ વાંચ્યું. ત્યારે મને ભારે આશ્ચર્ય થયું હતું, કારણ કે તેનું મૃત્યુ એક કલાકની અંદર જ થવાનું હતું. અને તે અહીં નહી પણ લોકાલોક પર્વત પર થવાનું હતું. આશ્ચર્ય એ વાતનું હતું કે આટલું નાનું કબૂતર આટલે દૂર આવેલા લોકાલોક પર્વત પર કેવી રીતે પહોંચી શકશે. તે વખતનું મારું હાસ્ય શંકા અને સંભાવનાના મિશ્રણ વાળું હતું.
અત્યારે અહીંથી પસાર થતી વખતે મેં કબૂતરને ન જોયું પણ તમને જોઈ હું સમજી ગયો કે તેને લોકાલોક પર્વત પર તમે જ પહોંચાડી આવ્યા, એટલે ફરીથી મને હસવું આવ્યું. આટલું કહ્યા પછી યમરાજ એક સૂત્રાત્મક વાક્ય બોલ્યા: ‘ભવિતવ્યાનામ્ દ્વારાણિ સર્વત્ર ભવન્તિ’ એટલે કે ભવિષ્યમાં જે થવાનું છે તે થઈને જ રહે છે.
આવા અવશ્યંભાવી મૃત્યુમાંથી જો કોઈ ઉગારી શકે તેવું હોય તો તે માત્ર દેવોના દેવ માહાદેવ જ છે. કપાળ પર સ્મશાનની આણ્વિક ભસ્મ લગાવીને બેઠેલા ભગવાન મહાદેવની આરાધના કરીએ.
- Advertisement -
ધ્યાન કરતી વખતે મન ભટકતું રહે છે
ઘણા જિજ્ઞાસુઓ પૂછે છે: ‘ધ્યાન કરતી વખતે અમારું મન ભટકતું રહે છે. એકાગ્રતા જળવાતી નથી તો શું કરવું?’
એક બોધકથા યાદ આવે છે. બાદશાહ અકબરને એક વાર તુક્કો સૂઝ્યો. એણે નોકરો દ્વારા ચાર બિલાડીઓને તાલીમ આપીને તૈયાર કરાવી. તે જમાનામાં વીજળીના ગોળાઓ હતા નહીં. રાત્રે બાદશાહ સલામત ભોજન કરવા માટે બેસે ત્યારે એમની ફરતે ચાર બિલાડીઓ ધ્યાનસ્થ બનીને ઊભી રહે. દરેકના માથા પર તેલ ભરેલું એક એક કોડિયું મૂકવામાં આવે. એના દીવાના પ્રકાશમાં બાદશાહ ભોજન કરે. એક દિવસ આ વાત એણે ગર્વપૂર્વક બિરબલને કહી. તે રાત્રે બિરબલ ત્યાં ગયો. બાદશાહ ભોજન કરતાં હતા ત્યારે તેણે એક ઉંદર છૂટો મૂકી દીધો. ઉંદરને જોતાંની સાથે જ ચારેય બિલાડીઓ એને પકડવા માટે લપકી પડી. કોડિયાં પડી ગયાં. તાલીમ ફોક સાબિત થઇ ગઇ.
આવું જ આપણી સાથે થાય છે. આપણે ધ્યાનમાં એકાગ્ર બનવાની કોશિશ તો કરીએ છીએ પરંતુ બાહ્ય આકર્ષણો જોઇને આપણે લલચાઇ જઇએ છીએ. માટે જ ઋષિ-મુનિઓ કહી ગયા છે કે જો તમે ઇચ્છાઓને વશ થઇ જશો તો અધ્યાત્મના માર્ગે આગળ નહીં વધી શકો. ધ્યાન કરવા માટે અંતર્મુખી બનો. આકર્ષણો બધાં જ બાહ્ય હોય છે. મનને નિયંત્રણમાં રાખવા માટે શરૂઆતમાં ભારે સંઘર્ષ કરવો પડશે પણ એક એવો સમય આવશે જ્યારે મન અંતર્મુખ થવાને ટેવાઇ જશે. ત્યારે જ તમારી આત્મા તરફની ગતિ શરૂ થશે.