ખાસ-ખબર સંવાદદાતા
હળવદમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવે છે ત્યારે હળવદના રણમલપુર અને એંજાર ગામ વચ્ચે સામસામે બાઈક અથડાયા હોવાની ઘટના બની હતી જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે એક ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાને પગલે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા અને ઘટનાની જાણ થતા હળવદ પોલીસે હોસ્પિટલ પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના રણમલપુર અને એંજાર ગામ વચ્ચે સામસામે બાઇક અથડાયા હતા જેમાં 30 વર્ષીય કૃપાલસિંહ અશોકસિંહ ઝાલા પોતાનું બાઇક લઇને એંજાર વાડીએથી ઘણાદ તરફ આવતા હતા ત્યારે સામેથી ડબલ સવારીમાં આવતા પિતા-પુત્રનું બાઈક કૃપાલસિંહના બાઈક સાથે અથડાયું હતું જેમાં ગૌરાંગ મનોજકુમાર ઈજાગ્રસ્ત થતા તેને હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જ્યારે કૃપાલસિંહની સારવાર કારગર નહીં નીવડતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે હળવદ પોલીસે હોસ્પિટલ ખાતે પહોંચીને લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદના રણમલપુર-એંજાર વચ્ચે બાઈક સામસામે અથડાતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત
