ગઇકાલે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા : આદિવાસી દિકરીઓના હસ્તે મેળાનો પ્રારંભ
મેળા દરમ્યાન યાત્રિકોની આરોગ્ય સુવિધા માટે
- Advertisement -
કુલ 38 જેટલા આરોગ્ય સુવિધા કેન્દ્રો ઉભા કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તથા બનાસકાંઠા કલેકટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં અંબાજી ભાદરવી પુનમના મહામેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિશ્ર્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા.પ થી 10 સપ્ટેમ્બર દરમ્યાન યોજાઇ રહેલા ભાદરવી પુનમના મહામેળાનો અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક આદિવાસી દિકરીઓના હસ્તે માતાજીના રથની શાસ્ત્રોકત રીતે અને ભકિતભાવથી પુજા-અર્ચના કરીને જિલ્લા કલેકટર સહિત મહાનુભાવોએ રથને થોડેક સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે ઉપસ્થિત પદયાત્રિકોએ માતાજીના ગગનચુંબી જયઘોષ કર્યા હતા.
ત્યારબાદ પ્રદર્શન ડોમમાં ગુજરાત પવિત્ર યાત્રધામ વિકાસ બોર્ડ, માહિતી ખાતું અને આરોગ્ય વિભાગ, કાનુની સેવા સત્તા મંડળ દ્વારા બનાવાયેલ અદ્યતન પ્રદર્શનનું કલેકટરના હસ્તે ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે પ્રદર્શન ડોમમાં બનાવેલ મંદિરમાં કલેકટર આનંદ પટેલે માતાજીની પૂજા-અર્ચના કરી મેળાની સંપૂર્ણ સફળતા માટે અને લાખો માઇભકતોની અંબાજીની યાત્રા સુખરૂપ સંપન્ન થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.
- Advertisement -
આ પ્રસંગે કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, દુર દુરથી પદયાત્રા કરીને અંબાજી આવતા માતાજીના ભકતોને આવકારવા જિલ્લા વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ થનગની રહ્યું છે. તેમણે કહ્યું કે બે વર્ષના લાંબા વિરામ બાદ ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે ત્યારે 30 લાખ કરતા વધુ સંખ્યામાં દર્શનાથીઓ આવવાની ધારણાને લઇને તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તથા મેળા દરમ્યાન યાત્રિકોની આરોગ્ય સુવિધા માટે કુલ 38 જેટલા આરોગ્ય સુવિધા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.
દીકરીઓમાં પણ માનું હૃદયહોય છે. આદિજાતિ બાહુલ્ય ધરાવતા અને વર્ષોથી માતાજીની પૂજા-અર્ચના કરતા આદિવાસી દિકરીઓના હસ્તે આ વર્ષે ભાદરવી પુનમનો મહામેળાનો આનંદ, ઉત્સાહ અને ભકિતમય માહોલમાં શુભારંભ થયો છે.
ભાદરવી મેળો શરૂ થતા અંબાજી તરફના તમામ રસ્તાઓ રાત-દિવસ યાત્રિકોથી ભરચક રહેશે. અંબાજી વિસ્તારના ડુંગરાઓમાં જાણે નવી ચેતનાનો સંચાર થયો છે. દિવસે થોડી ગરમી, રાત્રે ઠંડક અને હરિયાળા વાતાવરણમાં માઇભકતો જય અંબે..ના જયઘોષ સાથે અંબાજી પહોંચી રહ્યા છે.
ભાદરવી મહામેળાના પ્રારંભ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, નંદાજી ઠાકોર, ડો. હેમરાજ રાણા, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર આર.કે.પટેલ, દાંતા પ્રાંત અધિકારી સિધ્ધિબેન શર્મા સહિત અધિકારીઓ અને હજારો માઇભકતો ઉપસ્થિત રહ્યા હતા.



