‘પ્લી બાર્ગેનીંગ’ આ જોગવાઈ હત્યા, દુષ્કર્મ, ધાડ જેવા અપરાધોમાં લાગુ નથી પડતી : જેલોમાં વધતી ભીડ ખાળવા સુપ્રીમનો નિર્દેશ
નાના અપરાધોમાં અડધી સજા ભોગવી ચૂકેલા કેદીઓને જેલમાંથી આઝાદી મળી જશે. સુપ્રીમ કોર્ટે પ્લી બાર્ગેનીંગ જોગવાઈ અંતર્ગત અપરાધીઓને છોડી દેવા માટે દેશની 13 હાઈકોર્ટ અને ગુજરાત સહિતના રાજયોને નિર્દેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આવા નાના અપરાધોવાળા દોષીઓને ઓળખી અને જેઓ અડધી સજા ભોગવી ચૂકયા છે તેમને પ્લી બાર્ગેનીંગ કરાવીને જેલમાંથી મુક્ત કરો. સુપ્રીમ કોર્ટ જેલોમાં ભીષણ ભીડ અને અદાલતોમાં કેસો અને અપીલોના નિકાલમાં લાગતા લાંબા સમયને જોતા આ નિર્ણય લીધો છે.
- Advertisement -
આ મામલે છતીસગઢ જેવા રાજયે બહેતર પ્રગતિ કરી છે. તેમણે 31 કેસમાં આવો ફેસલો કર્યો છે. છતીસગઢે દરેક જિલ્લા અને તાલુકામાં ત્રણ મેજીસ્ટ્રેટોને શનિવારે જેલોમાં મોકલીને પ્લી બાર્ગેનીંગ માફી પર ફેસલો લેવા પર પહેલ કરી છે.
સુપ્રીમ કાર્ટે દિલ્હી, ગુવાહાટી, કેરલ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળને આદેશ કર્યો છે કે તે પણ આવા પ્રયાસ કરે અને પ્લી બાર્ગેનીંગના માધ્યમથી અપરાધીઓને મુક્ત કરે. સાથે સાથે અન્ય રાજયો ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશને પણ કહ્યું છે કે તે પણ આ મોડેલ અપનાવે. સુપ્રીમ આ મામલે સતત નિરીક્ષણ કરી રહી છે અને આગામી સુનાવણી 14 સપ્ટેમ્બરે કરશે.
શું છે પ્લી બાર્ગેનીંગ?: આ એક માફીની જોગવાઈ છે. તેને 7 વર્ષ કે એનાથી ઓછી સજા પામનાર અપરાધોમાં અપરાધી દ્વારા ગુનો કબુલવા પર લાગુ કરવામાં આવે છે. જો કે ગંભીર અપરાધો જેમકે હત્યા, દુષ્કર્મ, ધાડ, બાળકો પ્રત્યેના અપરાધોમાં આ જોગવાઈ લાગુ નથી.
- Advertisement -
17 વર્ષ વીતી ગયા પછી પણ પરિણામ શૂન્ય: પ્લી બાર્ગેનીંગ જોગવાઈ લાગુ થયાના 17 વર્ષ પછી પણ આ દિશામાં સંતોષકારક પ્રગતિ થઈ નથી કે આ જોગવાઈ અંતર્ગત કેટલાને છોડવામાં આવ્યા અને આ કારણે જ આ મામલો સુપ્રીમે પોતાના હાથમાં લીધો છે.