‘ખાસ-ખબર’ના અહેવાલને જબરદસ્ત પ્રતિસાદ
અનાજ-રોકડની સહાયનો અવિરત પ્રવાહ, પણ મૂળભૂત જરૂરિયાત આશરાની
- Advertisement -
છત વગરનાં ઝુંપડામાં કરિયાણું રાખવાની પણ સમસ્યા: દાતાઓને દાતારી બતાવવાનો સોનેરી અવસર
ખાસ-ખબર સંવાદદાતા
સોની સમાજના ઝિંઝુવાડીયા પરિવારની દારૂણ ગરીબીની ગાથા ‘ખાસ-ખબર’માં પ્રગટ થયા બાદ રંગીલા રાજકોટના દાનવીરોએ રોકડ રકમ અને જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાયનો અવિરત ધોધ વરસાવવાનો શરૂ કર્યો છે ત્યારે ‘ખાસ-ખબર’ પરિવાર આ દાતાઓની દિલેરીને વંદન સાથે અરજ કરે છે કે આ હતભાગી પરિવાર પાસે સહાયમાં મળતી ચીજવસ્તુઓ રાખવાની પણ છત વગરના ઝુંપડામાં સુવિધા નથી ત્યારે વધુ ને વધુ આર્થિક મદદ દ્વારા આ કમનસીબ પરિવારને નાનું એવું મકાન મળી શકે તે દિશામાં સહિયારા પ્રયાસોની જરૂર છે.
ઝિંઝુવાડીયા પરિવાર ઝુંપડામાં નળ, વીજ, ગેસ, કે છત વગરની હાલતમાં દયનિય પરિસ્થિતિમાં જીવન વિતાવે છે. ચાર વ્યક્તિના પરિવારમાં એક માત્ર 25 વર્ષનો દીકરા આશિષ તનતોડ મહેનત કરીને બે ટંકના રોટલા રળે છે જ્યારે આશિષના પિતા બાબુભાઈ સોનીને બંને પગમાં તકલીફ છે, તેઓ ચાલી શકતાં નથી. આશિષના માતા પ્રફુલ્લાબેન સોની અંધ છે, જોઈ શકતાં નથી. આશિષનો મોટોભાઈ વિજય માનસિક બીમાર છે. મોટાભાઈ, માતા-પિતાની શારીરિક અને માનસિક બીમારીઓ, ગરીબી પરિસ્થિતિ અને પાયાની સુવિધાઓના અભાવ વચ્ચે બધામાં સૌથી નાનો આશિષ આખા પરિવારની જવાબદારી નિભાવે છે. આશિષ દરરોજ પોતાના ઘરથી આશરે 5 કિલોમીટર ચાલીને વિદ્યાનગર રોડ પર આવેલા ચામુંડા ભોજનાલયમાં વાસણ સાફ કરવા જાય છે. કામ પતાવી ફરી 5 કિલોમીટર ચાલીને પોતાના ઘર આવે છે. આશિષને વાસણ સાફ કરવાના આશરે 200 રૂપિયા રોજ મળે છે. આ રોજમાંથી તે રોજેરોજનું જમવાનું લાવે છે અને જે દિવસે આશિષ વાસણ સાફ કરવા જતો નથી તે દિવસે તેના સહિત તેનો પરિવાર ભૂખ્યો રહે છે. આશિષનો પગાર મહિને 6 હજાર રૂપિયા જેટલો છે અને આ પગારમાંથી આશિષ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આશિષ અને તેના પરિવારજનોની પરિસ્થિતિ અત્યંત કષ્ટદાયક છે. સગવડોના અભાવ વચ્ચે જીવતા આશિષ અને તેના પરિવારને સાથ, સહાય, સહકારની જરૂર છે.
- Advertisement -
સોની પરિવારને આર્થિક મદદ માટે ‘ખાસ-ખબર’ની અપીલ
ઝિંઝુવાડિયા પરિવાર ખરેખર દારૂણ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે. સોની સમાજ અને અન્ય સમાજનાં શ્રેષ્ઠીઓ તેમને મદદ પહોંચાડે તો તેઓ છત, બાથરૂમ, ગેસ, લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ પામી શકે તેમ છે. સામાન્ય રીતે આ પ્રકારની અપીલ ‘ખાસ-ખબર’ ક્યારેય કરતું નથી. પરંતુ એક અપીલથી જો એક પરિવારનાં જીવનમાં પરિવર્તન આવતું હોય તો તેનાંથી રૂડું બીજું શું હોઈ શકે? સોની પરિવારને મદદ કરવા માટે નીચે બેન્ક ડીટેઈલ આપી રહ્યાં છીએ.
ખાતા નં. : 90298100000749
બેંક : બેંક ઓફ બરોડા,
રણછોડનગર બ્રાન્ચ,
રાજકોટ
IF SC : BARBODBRNCH