જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું, આવો કોઈ નિયમ નથી, શાળા લેટ ફી ન લઈ શકે, લેટ ફી લેવાનું બંધ કરવા સૂચના
વ્યાજ પર લીધેલા પૈસા વ્યક્તિ સમયસર ન ચૂકવે તો તેના ઉપર વધુ વ્યાજ લાગે તેવું મોટાભાગના લોકો જાણતા હશે પરંતુ હવે શાળા સંચાલકોએ પણ મોડી ફી ભરનાર પાસેથી જાણે વ્યાજ વસૂલી રહ્યા હોય એમ લેટ ફી લેવાનું શરૂ કરતાં વાલીઓમાં રોષ ફેલાયો છે. શહેરના મોટી ટાંકી ચોક પાસે આવેલી કોટક ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તાજેતરમાં સ્કૂલ ફી મોડી ભરનાર વાલી પાસેથી રૂ.200 લેટ ફી વસૂલવામાં આવતા વિવાદ થયો છે. આ સ્કૂલ દ્વારા વાલીઓ સમયસર ફી ભરે તે માટે આ પ્રકારનું ફરમાન જાહેર કરાયું છે.
- Advertisement -
જોકે આ સમગ્ર વિવાદ જિલ્લા શિક્ષણાધિકારીને ધ્યાનમાં આવતા તેમણે તાકીદે શાળા સંચાલકને લેટ ફી લેવાનું બંધ કરવા સૂચના આપી છે. અને કહ્યું છે કે આવો ખરેખર કોઈ નિયમ નથી. કોઈપણ સ્કૂલ લેટ ફી વસૂલ ન કરી શકે. શહેરના મોટી ટાંકી ચોક પાસે આવેલી કોટક પ્રાઇમરી સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના વાલીને ફી ભરવામાં મોડું થતાં સ્કૂલ દ્વારા ધો.6ની ફી રૂ. 4700 અને રૂ.200 લેટ ફી વસૂલતા વાલી રોષે ભરાયા હતા. વાલીએ કહ્યું કે, બાળકની ફીના પૈસા પણ માંડ માંડ ભરી શકીએ છીએ એવામાં સ્કૂલવાળા ફી ઉપરાંત લેટ ફી વસૂલે તો વધારાના પૈસા કાઢવા મુશ્કેલ બની જાય છે.
જલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને એવી પણ સૂચના આપી છે કે બાળકને ક્લાસ વચ્ચે બાકીનું કહેવું નહીં. ક્લાસ વચ્ચે બાળક પાસેથી ફી બાકી હોવાનું કહેવામાં આવે તો બાળકને અપમાનજનક લાગે છે અને તેના માનસ ઉપર પણ ખરાબ અસર થાય છે. તેથી દરેક શાળાએ ફીની વાત માત્ર વાલીઓને જ કરવી, બાળકોને નહીં કરવા પણ સૂચના અપાઈ છે.
લેટ ફી ન લઇ શકાય, આચાર્યને સૂચના છે
વાલીને ફી ભરવામાં મોડું થાય તો લેટ ફી વસૂલવી એવો કોઈ નિયમ નથી, એફઆરસીમાં પણ આવી કોઈ જોગવાઈ નથી. આથી શાળાના આચાર્યને આ અંગે સૂચના આપી લેટ ફી વસૂલવાનું બંધ કરવા સૂચના આપી છે. વાલીઓનું વ્યવસ્થિત કાઉન્સેલિંગ કરીને ફી ભરવા સમજાવવા કહ્યું છે. હવેથી લેટ ફી વસૂલી શકશે નહીં. બી.એસ.કૈલા, જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટ
- Advertisement -
કોઈપણ શાળા તેની નિયત ફી ઉપરાંત લેટ ફી લઇ શકે નહી
ઋછઈ (ફી નિયમન સમિતિ)નું કામ માત્ર ફી નિર્ધારિત કરવાનું છે, પરંતુ કોઈપણ શાળા તેની નિયત ફી ઉપરાંત લેટ ફી લઇ શકે નહીં. તેમજ એફઆરસીમાં આ પ્રકારની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. અજય પટેલ, સભ્ય, ઋછઈ કમિટી