બે પાંચ લેભાગુને કાંતિ અમૃતિયા ન પચે, લુખ્ખાગીરી બંધ કરવા પટ્ટમાં આવ્યો છું : અમૃતિયા
બ્રિજેશભાઈએ બ્રહ્મસમાજના કામ નથી કર્યા, લઘુરુદ્રનું પુણ્ય કાંતીભાઈને!: ભુપત પંડ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ભાજપમાં વિધાનસભા ચુંટણી પૂર્વે માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સક્રિય થયા છે અને મોરબી ભાજપ પક્ષમાં જુથવાદ પણ વકરે તેવું લાગી રહ્યું છે કારણકે મોરબીના પરશુરામધામ ખાતે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં વર્તમાન ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના નજીકના ગણાતા બ્રહ્મસમાજના અગ્રણી સહિતના બ્રહ્મસમાજના લોકોએ માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાને ટેકો જાહેર કરીને ચૂંટણીના મેદાનમાં આવવા હાકલ કરી છે ત્યારે કાંતિભાઈએ પણ પરશુરામધામ ખાતેથી ચૂંટણીના શ્રીગણેશ કરીને હવે પહેલા કરતા પણ વધુ વટ સાથે રાજકારણમાં આવું છું તેવું કહેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે 21 કુંડી હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
અહીં પરશુરામ ધામના ટ્રસ્ટી અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના નજીકના તથા જુના મિત્ર ગણાતા ભૂપતભાઈ પંડ્યાએ બ્રિજેશ મેરજા સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બ્રિજેશભાઈ મેરજાએ પક્ષપલટો કર્યા બાદ સૌપ્રથમ પરશુરામ ધામે તેમનું સન્માન કર્યું હતું અને પ્રચારમાં પણ ભૂદેવો ગયા હતા તો પણ બ્રહ્મસમાજના કામ તેને કર્યા નથી તેવું કહીને કાંતિભાઈ જ આગળ આવશે તેવું કહીને લઘુરુદ્રનું પુણ્ય કાંતિભાઈને અર્પણ કર્યું હતું આ યજ્ઞમાં હાજર રહેલા મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ઉપસ્થિત સૌને સંબોધન કરતા કહ્યું હતું કે, રાજકારણમાં ખોટું કરે ત્યારે રૂપિયા મળે છે જો કે, મને કુદરતે મારા પરિવારને જોઈએ તેના કરતાં અનેકગણું વધારે આપ્યું છે અને 35 વર્ષના રાજકારણમાં શંકરસિંહ વાઘેલા મને ગૃહ રાજ્યમંત્રી બનાવતા હતા તો પણ મારી વિચારધારાને મેં છોડી ન હતી અને આજની તારીખે પણ લોકોના કામ કરું છે અને કરતો જ રહીશ. વધુમાં કાંતિભાઈએ કહ્યું હતું કે, મારે રાજકારણમાં આવવું ન હતું જો કે લોકોની લાગણીના કારણે હું ફરી પાછો પટ્ટમાં આવીશ અને પહેલા કરતાં વધુ વટ સાથે આવીશ.
મોરબીમાં આજની તારીખે ચાલતી લુખ્ખાગીરી અને ખોટા કામ બંધ કરવા માટે હું ફરી પાછો મેદાનમાં આવ્યો છું અને આજથી જ તેના શ્રીગણેશ કરી દીધા છે તેવો પણ નગારે ઘા નાખ્યો હતો. અંતમાં વિધાનસભા ચૂંટણીની ટિકિટને લઈને ભાજપમાંથી ટિકિટ લેવા માટે જેઓના મનમાં લાડુ ફૂટી રહ્યા છે તેને કાંતિલાલે શબ્દબાણ છોડીને જણાવ્યું હતું કે, આજની તારીખે પણ આપણે ઉપર અને નીચે બંને જગ્યાએ સારું જ છે વચ્ચે બે થી પાંચ ડભોરિયા છે તેના નામ મારે લેવા નથી તે સમજી જ જશે અને તેનાથી હું ડરતો નથી !