દહેજના કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કરનાર પત્નીને ફટકાર લગાવી હાઈકોર્ટે પતિની તલાકની અરજી મંજુર કરી.
દહેજના કાયદાનો હથિયાર તરીકે દુરુપયોગ કરનાર પત્ની અને પત્નીના સ્વજનોને છતીસગઢ હાઈકોર્ટે ફટકાર લગાવી છે. આ મામલે હાઈકોર્ટે પતિના તલાકની માંગ મંજુર કરી ટિપ્પણી કરી હતી કે દહેજ ધારાનો દુરુપયોગ પતિ અને સાસરીયા સાથે ક્રુરતા છે.
- Advertisement -
આ પ્રકારના કેસમાં વૈવાહિક સંબંધ તૂટયા બાદ ફરી જોડવા સંભવ નથી. બન્ને પરિવારો વચ્ચે કડવાશ ઉભરીને બહાર આવી જાય છે. હાઈકોર્ટે અરજદાર તબીબ પતિને રાહત આપીને તલાકનો આદેશ આપ્યો છે. કોર્ટે અરજદાર પતિને પોતાની શિક્ષક પત્નીને ખાધા ખોરાકી માટે દર મહિને 15 હજારનું ભથ્થુ આપવાનો પણ નિર્દેશ કર્યો છે. આ અંગેની વિગત મુજબ સરગુની જિલ્લાના ચાંદની નિવાસી મહિલાના લગ્ન 1993માં ડો. રામકેશ્ર્વર સિંહ સાથે થયા હતા, મહિલા શિક્ષિકા છે. વિવાહના એક વર્ષ બાદ બન્ને વચ્ચે મનમેળ ન થતા બન્ને અલગ રહેવા લાગ્યા હતા.
ત્રણ વર્ષ બાદ પતિએ તલાકની કોર્ટમાં અરજી કરી તે પત્નીએ દહેજ અંગે ત્રાસ મામલે પતિ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે પતિ સહિત સાસુ, સસરા, દિયર, નણંદ સામે ગુનો નોંધ્યો હતો. ફેમીલી કોર્ટે તબીબ પતિની તલાકની અરજી ફગાવી દીધી હતી, જેને પતિએ છતીસગઢ હાઈકોર્ટમાં પડકારતા છતીસગઢ હાઈકોર્ટે પતિની તલાકની અરજી મંજુર કરી, પત્ની દ્વારા દહેજના કાયદાનો દુરુપયોગ થયો હોવાનું જણાવી ફટકાર લગાવી હતી.