હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ગઈકાલે સોમવારે જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં ભારે પવન ફૂંકાયો હતો. તો આજે મંગળવારના રોજ વહેલી સવારથી વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે.
- Advertisement -
અચાનક વાતાવરણ પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા:
વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આકાશમાં કાળાં ડિબાંગ વાદળો અને ધોધમાર વરસાદને પગલે લોકોને આંશિક રાહત મળી છે. જોકે આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સતાવી રહી છે. ત્યારે ધોધમાર વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. જો કે આજે મંગળવારે વહેલી સવારે નોકરી-ધંધા પર નીકળેલા લોકો પણ અચાનક વરસાદ પડતાં ભીંજાયા હતા. ત્યારે નોંધનીય છે કે આજરોજ સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઇ રહ્યો છે. તેમજ ગઈકાલે પણ ભારે પવન ફૂંકાયો હતો. વલસાડ શહેરમાં ગઈકાલે સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી હતી, જેમાં શહેરમાં ગઈકાલે વહેલી સવારે 4 વાગ્યે ભારે પવન ફૂંકાયો હતો, જેને લઈ RPF ગ્રાઉન્ડ આગળ આવેલા એક ઝાડની મહાકાય ડાળી તૂટી ગઈ હતી. ત્યારે ઝાડ નીચે પસાર થતી વીજલાઈન પર ડાળી પડતાં આજુબાજુના 4 વીજ પોલ અસરગ્રસ્ત બન્યા હતા. જેથી વીજપ્રવાહ ખોરવાતાં આજુબાજુના વિસ્તારમાં અંધકાર છવાયો હતો.
- Advertisement -