ખાસ-ખબર સંવાદદાતા
રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે ફુગાવાની પરિસ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે બેંક પગલા લેશે
મોંઘવારી ભયંકર રીતે વધી રહી છે અને ફુગાવો ચિંતાજનક તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે રિઝર્વ બેન્ક દ્વારા આગામી દિવસોમાં વધુ કેટલાક પગલા લેવામાં આવશે અને તેના ભાગરૂપે ઓગસ્ટ માસ સુધીમાં રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરોમાં 0.75 ટકા સુધીનો વધારો કરવામાં આવે તેવી શકયતા છે.
ફુગાવાની સામે લડવા માટે રિઝર્વ બેંક સામે વ્યાજ દર વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તેમ એસબીઆઇના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.એસબીઆઇના અર્થશાસ્ત્રીઓએ એમ કહ્યું છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે ફુગાવો દિવસેને દિવસે વધી રહ્યો છે અને મોંઘવારી વધુ જલદ બની રહી છે. તેમણે કહ્યું છે કે મોંઘવારી નો દોર ચાલી રહ્યો છે અને એપ્રિલમાં તેનો આંકડો 7. 8 ટકા ના સ્તર પર પહોંચી ગયો હતો. કેન્દ્ર સરકાર પણ મોંઘવારી ઘટાડવા માટેના વિકલ્પો વિચારી રહી છે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પણ ફુગાવાની સામે લડવા માટેની રૂપરેખા ઘડી રહી છે અને આ પહેલા પણ રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો અને હવે ઓગસ્ટ સુધીમાં તબક્કાવાર વ્યાજદરમાં વધારો થશે તેમ માનવામાં આવે છે. યુદ્ધ ને કારણે ખાદ્ય પદાર્થોના ભાવ માં તેમજ ઇંધણના ભાવમાં અને પરિવહનના દરોમાં સતત વધારો થઇ ગયો છે અને પરિસ્થિતિ હવે કાબુ બહાર જઈ રહી છે ત્યારે રિઝર્વ બેન્ક પાસે બીજો કોઈ રસ્તો રહેતો નથી અને વ્યાજદર વધારા નો માર્ગ ખુલ્લો છે અને તેનો ઉપયોગ કરવામાં આવશે.